ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,628 નવા કેસ, 617 લોકોના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2021  |   6435

દિલ્હી-

ઓગસ્ટના આ ૭ દિવસમાં બીજીવાર કોરોના કેસ ૪૦ હજાર કરતાં નીચે રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૩૮,૬૨૮ કેસ નોંધાયા છે. જે શુક્રવારે જાહેર થયેલા ૪૪,૬૪૩ નવા પોઝિટિવ કેસો કરતાં ૬ હજાર જેટલા ઓછા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૧૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે ગઈકાલના મૃત્યુઆંક ૪૬૪ કરતાં ઘણાં વધારે છે.

આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો દર ૧.૩ ટકા થયો છે. જ્યારે સાજા થવાનો દર ૯૭.૪ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૦૧૭ લોકો સાજા થયા છે. હાલ દેશમાં ૪,૧૨,૧૫૩ એક્ટિવ દર્દી છે. નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વારસના કુલ ૩ કરોડ ૧૮ લાખ ૯૫ હજાર ૩૮૫ કેસ થયા છે. આ સાથે જ દેશમાં ૩ કરોડ ૧૦ લાખ ૫૫ હજાર ૮૬૧ લોકો સાજા થયા છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી ૫૦,૧૦,૦૯,૬૦૯ લોકોને વેક્સીન આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૪૯,૫૫,૧૩૮ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રિય મંત્રાલયે વધુમાં જણાવ્યું કે દેશમાં ટેસ્ટિંગ કેપેસિટી સતત વધારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૪૭.૮૩ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૨૧ ટકા હતો જે છેલ્લા ૧૨ દિવસથી સતત ૩ ટકા નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત ૫ ટકા નીચે રહ્યો છે જે હાલ ૨.૩૯ ટકા જેટલો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે એકલા કેરળમાં જ ૨૪ કલાકમાં ૧૯,૯૪૮ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં ૧૮૭ લોકોનાં મોત થયા છે. આ સાથે જ ૧૯,૪૮૦ લોકો સાજા પણ થયા છે. હાલ કેરળમાં ૧,૭૮,૭૨૨ એક્ટિવ દર્દી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૩૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૫૮૫૯ લોકો સાજા થયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૧૮૭ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી ૧,૩૩,૭૧૭ લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૫૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વિરોધી રસીના ડોઝ આપવા મામલે ભારતે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે. શુક્રવારે ભારતમાં ૪૩.૨૯ લાખ ડોઝ અપાયા હતા. 
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution