08, ઓગ્સ્ટ 2025
મોરબી |
1881 |
કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો
મોરબીના માળિયા-સૂરજબારી પુલ પર ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કન્ટેનર પલટી મારી જતાં પાછળ આવતી આર્ટિગા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી, જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરના કરુણ મોત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેની પાછળ આવતી એક ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પાછળ આવતી કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. ટ્રકમાં અને કારમાં સવાર 2-2 લોકોના મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કારમાં સવાર સાત લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યાંરે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.