લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
4455
દીવાલોમાં ઠેર-ઠેર તિરાડો પડી, કપડવંજ તાલુકાના અંતીસર ગ્રામ પંચાયતના પેટાપરા વિસ્તાર એવા બાકરના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. શાળાના મકાનની દીવાલોમાં ઠેર-ઠેર તિરાડો જાેવા મળતી હોવાથી શાળામાં અભ્યાસ કરતા આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓની સલામતીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બાકરના મુવાડા પ્રાથમિક શાળામાં હાલમાં બે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે અને આશરે ૫૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જૂની શાળા મકાનની હાલત અંગે અગાઉ પણ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું અંતીસર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.ગ્રામ પંચાયતની રજૂઆત મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન શાળા મકાનમાં મરામતનું કામ કરવામાં આવ્યું હતું. જાેકે, મરામત બાદ પણ મકાનની સ્થિતિમાં અપેક્ષિત સુધારો થયો ન હોવાનું અને હાલમાં ફરીથી દીવાલોમાં ઠેર-ઠેર તિરાડો સહિતની સમસ્યાઓ જાેવા મળી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ગ્રામ પંચાયતનું કહેવું છે કે, જૂના અને જર્જરિત મકાનમાં વારંવાર મરામત કરાવવા કરતાં વિદ્યાર્થીઓના હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને હાલ શાળાનું નવું મકાન બનાવવાની જરૂર છે. બાકરના મુવાડા ગામના પૂર્વ તાલુકા સદસ્ય દ્વારા પણ આ મુદ્દે અગાઉ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે. તાલુકા પંચાયત સહિતની સંબંધિત કચેરીઓમાં લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નવું શાળા મકાન બનાવવા માટે નક્કર તજવીજ હાથ ધરાઈ ન હોવાનું ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતમાં જણાવાયું છે. હાલમાં પણ આ જ મકાનમાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાની દીવાલોમાં તિરાડો હોવાના કારણે વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતાં ગ્રામ પંચાયતે જણાવ્યું છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે. મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી, બાકરના મુવાડા પ્રાથમિક શાળા માટે નવા મકાનના બાંધકામ માટે જરૂરી વહીવટી તથા નાણાકીય મંજૂરી તાત્કાલિક આપવા માંગ કરી છે. હવે જાેવાનું એ રહ્યું કે ૫૦ જેટલા બાળકો અને બે શિક્ષકો રોજ અભ્યાસ-અધ્યાપન કરતા આ જર્જરિત શાળા મકાનના પ્રશ્ને શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા કેટલી ઝડપથી સ્થળ તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.