દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં ખોરાક મળી રહે તે માટે જંગલોમાં ૫૦ ચિત્તલ છોડાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   2772

દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે અને માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે ઉદ્દેશ્યથી સુરત વન વિભાગ દ્વારા તાજેતરમાં માંડવીનાં જંગલમાં તૃણાહારી પ્રાણીઓને છોડવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં સાસણ ગીરથી ૫૦ ચિત્તલ (સ્પોટેડ ડીયર) લાવીને સુરત જિલ્લાના માંડવીનાં જંગલમાં છોડવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ એ છે કે, દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં કુદરતી શિકાર મળી રહે અને એ રીતે માનવ-વન્યજીવ વચ્ચેનું ઘર્ષણ ઓછું કરી શકાય. વન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનાં મે અને જૂન મહિનાની વચ્ચે ત્રણ તબક્કામાં ચિત્તલને સાસણથી લાવી માંડવીનાં જંગલમાં છોડવામાં આવ્યાં. વન વિભાગ દ્વારા ૨૩ મેના રોજ ૨૧ ચિત્તલ, ત્યારબાદ ૧૮ જૂને ૧૬ અને ૨૪ જૂને અન્ય ૧૩ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. આમ કુલ, ૫૦ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યાં છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “ગુજરાત વન વિભાગ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લઈ રહ્યું છે. જંગલમાં વન્યપ્રાણીઓ જેવા કે દીપડા માટે કુદરતી શિકાર મળી રહે તે માટે આ પ્રયાસ થઇ રહ્યા છે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ની જાેગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવેલું આ સ્થાનાંતરણ, યોગ્ય વન વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારીને પર્યાવરણીય સંતુલન પુન:સ્થાપિત કરવાના રાજ્યના લાંબા ગાળાના પ્રયાસોનો એક ભાગ છે.” અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન જયપાલ સિંહે જણાવ્યું કે, “આ પહેલ માંડવી વન રેન્જમાં અગાઉ હાથ ધરાયેલા સંરક્ષણ કાર્યોને આગળ ધપાવે છે. વન વિભાગે સ્થાનિક તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા માટે એક ચિત્તલ સંવર્ધન કેન્દ્ર પણ (બ્રીડિંગ સેન્ટર) શરુ કર્યું છે.”

સુરત સર્કલના વન સંરક્ષક પુનીત નૈયરે જણાવ્યું કે, “ માનવ અને વન્યજીવ સંઘર્ષ સમયે ઝડપથી પહોંચી વળવા માટે વન વિભાગે આધુનિક રેસ્ક્યૂ સાધનોથી સજ્જ એક સમર્પિત ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરી છે, જેથી વન્યજીવ કટોકટીના સમયે તાત્કાલિક પગલાં લઈ શકાય અને સ્થાનિક સમુદાયો તેમજ વન્ય પ્રાણીઓ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.” પુનીત નૈયરે વધુમાં જણાવ્કેયું હતું કે, ચિત્તલને સાસણ (ગીર)થી સુરતનાં જંગલમાં લાવતા પહેલા મુક્ત કરાયેલા પ્રાણીઓને લાંબા સમય સુધી આશ્રય આપી શકે તેવા સ્થળોની ઓળખ કરવા માટે રહેઠાણનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution