સરકારી પિસ્ટલમાંથી છૂટેલી ગોળીથી ફેરિયાને ઇજા થવા અંગે પીએસઆઇ સામે ગુનો નોંધાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   5643

નાનાવરાછા પોલીસ ચોકીમાં બેસી સરકારી પિસ્ટલ સાફ કરી રહેલા પીએસઆઇ મકવાણાથી થયેલા ફાયરિંગમાં લારીવાળાને ગોળી વાગી હતી. પેટ વિંધીને ગોળી નીકળી જતાં ફેરિયાને ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસમાં પોલીસે પીએસાઇ મકવાણા સામે લાપરવાહી ભરેલા કૃત્યથી ગંભીર ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન તાબાની નાના વરાછા ચોકીમાં પીએસઆઇ પી. એસ. મકવાણા ફરજ બજાવે છે. શનિવાર ૨૨ ઓગસ્ટે સાંજે ચોકીમાં હતાં. તેઓ ખુરશી પર બેસી પિસ્ટલ સાફ કરી રહ્યા હતાં. આ દરમિયાન કોઇક રીતે ફાયરિંગ થઇ ગયું હતું. પિસ્ટલમાંથી છૂટેલી ગોળી ૨૦ લિટરના પાણીના જગને ચીરી સામે રોડ પર ક્રોસમાં હોજીયરી, કપડાની લારી લઇ ઉભા રહેલા અરવિંદ અંબુભાઇ પટેલને વાગી હતી. ગોળી હ્રદયથી ૫ ઇંચ નીચે પેટની આરપાર થઈ હતી. અરવિંદ પટેલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે,પીએસાઇ મકવાણા સાડા સાતેક વાગ્યે ચોકીમાં ખુરશી થોડી ત્રાંસી રાખીને બેઠા હતા. તેણે જમણા હાથમાં પિસ્તોલ પકડી રાખી હતી અને જમણો હાથ કુદરતી રીતે જ એંગલ પર હોવાથી દરવાજા તરફ ખુલ્લી જગ્યા મળી ગઈ હતી. આ ફાયરિંગ દરમિયાન ગોળી સીધી ૨૦ લિટરનાં પાણીનાં જગમાંથી આરપાર નીકળીને ખુલ્લા દરવાજામાંથી બહાર ગઈ હતી. ગોળી જગમાંથી પસાર થયા બાદ દરવાજાની બહાર લગભગ ૪૦ મીટર (૧૩૦ ફૂટ) દૂર ઊભેલી વ્યક્તિને જઈને વાગી હતી. તે વ્યક્તિને વીંધીને ગોળી આગળ બીજા ૨૦ મીટર(૬૬ ફૂટ) દૂર જઈને પડી હતી, એટલે કે ગોળીએ કુલ ૬૦ મીટર(૧૯૬ ફૂટ)નું અંતર કાપ્યું હતું. રૂમની અંદર જગ સિવાય અન્ય કોઈ જગ્યાએ ગોળી અડી ન હતી.

આ ઘટના અંગે અરવિંદ પટેલની દીકરી ટ્વીન્કલ પ્રિતેશ પટેલ (રહે, બારડોલી)ની ફરિયાદ લેવામાં આવી છે. પીએસઆઇ પી.એસ. મકવાણા સામે માનવ જીવન અથવા અન્યોની વ્યક્તિગત સલામતી જોખમાય તે રીતે બેદરકારી કે લાપરવાહીથી કૃત્ય કરીને ગંભીર ઈજા પહોંચાડવા સંબંધિત ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ અન્વયે કલમ-૧૨૫(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કમલ હેઠળ ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષ સુધીની કેદ તથા દંડ અથવા કેદ અને દંડ બંનેની સજાની જોગવાઇ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution