/
ગ્રામ્ય વિસ્તારોમાં કોમોર્બિડીટી ધરાવતા લોકોનો ડેટા બેઝ તૈયાર કરાશે

વડોદરા, તા.૯  

કોવીડ રસીકરણની પૂર્વ તૈયારીઓના સંદર્ભમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જિલ્લા સંકલન સમિતિના સદસ્ય અધિકારીઓની બેઠક યોજીને જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તા.૧/૧/૨૦૨૧ ના રોજ જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પરંતુ સહરોગો એટલે કે કોમોરબિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટાબેઝ તૈયાર કરવા સુચના આપી હતી.જ્યારે કર્મચારીઓની ટુકડીઓ દ્વારા સર્વે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેના માટે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ચૂંટણી વખતે જે રીતે મતદાન મથક દીઠ ટુકડીઓ બનાવે છે તે રીતે ટુકડીઓની રચના કરશે. આ ટુકડીઓ જે તે મતદાન મથકના વિસ્તારમાં સર્વે કરીને મતદાન મથક પ્રમાણે ડેટા બેઝ એક્સેલ શીટ માં તૈયાર કરશે.

તા.૧૦ થી ૧૩મી ડિસેમ્બર સુધી સર્વે પૂરો કરી તા.૧૪મી એ ડેટાબેઝ આપી દેવાનો છે. પ્રત્યેક તાલુકાના આરોગ્ય અધિકારીના માધ્યમથી તાલુકાનો ડેટા જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવામાં આવશે. વડોદરા ખાતેના નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટીને આ તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ટીલાવતે વડોદરા શહેર જિલ્લામાં ફરજ બજાવતા તમામ વિભાગોના સરકારી અધિકારીઓ-કર્મચારીઓનો ડેટા બેઝ તૈયાર કરવા અંગે વિગતવાર માર્ગદર્શન

આપ્યું હતું.

  જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે રાજય સરકારના વિવિધ વિભાગોના ફ્રન્ટ લાઈન વર્કરના કોવીડ વિષયક રસીકરણની પૂર્વ તૈયારીઓ અંગે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં બેઠક યોજી હતી. તેમણે સમગ્ર કામગીરીની રૂપરેખા આપીને તમામ વિભાગોને જરૂરી ડેટા એન્ટ્રીની બાબતમાં સૂચનાઓ આપી હતી અને આ કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવા જણાવ્યું હતું.આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાનો અનુરોધ કરતાં તેમણે તમામ ખાતાધિકારીઓને આ કામગીરી પર જાતે ધ્યાન આપીને ચીવટપૂર્વક કરાવવા જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution