ખટોદરામાં વેપારી પાસેથી લેકડ મેટલાઇઝ પોલીએસ્ટર ફિલ્મ ખરીદી ૨૭ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026  |   1683

સુરત શહેરનાં ઉધના-મગદલ્લા રોડ પર આવેલી એસ.એમ.એલ. હાઉસ ખાતે વેપાર કરતા વેપારી સાથે રૂ.૨૭,૦૭,૫૩૨ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લેકડ મેટલાઇઝ્ડ પોલિએસ્ટર ફિલ્મનો માલ ઉધારમાં ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવવા અને બાકી રકમની ચુકવણી માટે આપવામાં આવેલો ચેક બેંકમાંથી પરત ફરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ પ્રકરણમાં બાપા સીતારામ થ્રેડનાં માલિક જીગ્નેશ મેઘજીભાઈ જીવાણા સામે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ગોડાદરા વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય નિખિલ સુરેશચંદ્ર મિસ્ત્રી નોકરી કરે છે. તેમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાપા સીતારામ થ્રેડનાં માલિક જીગ્નેશ જીવાણીએ ૭ જૂનથી ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ બિલો અને ચલણ મારફતે વિવિધ ગુણવત્તાની લેકડ મેટલાઇઝ્ડ પોલીએસ્ટર ફિલ્મનો માલ ઉધારમાં મેળવ્યો હતો. આ વ્યવહારની કુલ રકમ રૂ.૨૭,૦૭,૫૩૨ થતી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે માલ મેળવ્યા બાદ પેમેન્ટની ચુકવણી માટે જીગ્નેશ જીવાણીએ રૂ.૨૭,૦૭,૫૩૨નો ચેક આપ્યો હતો. જાેકે, ચેક બેંકમાં જમા કરાવવામાં આવતાં બેંકમાં નોંધાયેલી સહી અને ચેક પરની સહી વચ્ચે તફાવત જણાતાં ‘ડ્રોઅર સિગ્નેચર ડિફર્સ’ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. આથી વેપારીને નાણાંની ચુકવણી મળી શકી નહોતી. ચેક પરત ફરવા અંગે માલિકને જાણ કરવામાં આવી હોવા છતાં બાકી નાણાં ચૂકવવામાં આવ્યાં ન હતા. વેપારી દ્વારા વારંવાર પેમેન્ટની માગણી કરવામાં આવતી હતી, પરંતુ અલગ-અલગ બહાનાં બતાવી ચુકવણી ટાળવામાં આવતી હોવાનો આક્ષેપ છે. બાદમાં ફોન પણ ઉપાડવામાં આવતા ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આખરે રૂ.૨૭,૦૭,૫૩૨ની રકમ નહીં મળતાં નિખિલ મિસ્ત્રીએ ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાપા સીતારામ થ્રેડના માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution