લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓક્ટોબર 2026 |
2376
સાયણ હજીરા હાઇવે ઉપર ખટીક બંધુઓ દ્વારા ચલાવાતાં ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનાં રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્રણ વ્યક્તિની ધરપકડ સાથે પોલીસે બે ટેન્કર, ટેમ્પો અને કેમિકલનાં મોટા જથ્થા સાથે ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જહાંગીરપુરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સર્વેલન્સ સ્ટાફનાં મહાવીરસિંહ અજુભાઈ તથા ધર્મેશ શાંતિભાઈને બાતમી મળી હતી કે, સુરેશ ખટીક અને ત્રિકમ ખટીક તેમના સાગરિતો સાથે મળી સાયણ-હજીરા હાઈવે પર આશારામજીનગરની બાજુમાં ઈંટનાં ભઠ્ઠાનાં કંમ્પાઉન્ડમાં ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું રેકેટ ચલાવી રહ્યા છે. ખાનગી રાહે તપાસ બાદ મોડી રાત્રે એ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. ઇંટનાં ભઠ્ઠા પરથી લાડુલાલ ઉર્ફે લોકેશ નેનાલાલ ધુળાજી ખટીક (રહે, કેશવનગર સોસાયટી, ભેસ્તાન ચાર રસ્તા, ભેસ્તાન), સુરેશચંદ્ર રામલાલ નંદાજી ખટીક (રહે, માનસરોવર સોસાયટી, આસપાસ મંદિર પાસે, ગોડાદરા, સુરત), શાહરૂખ મોહમ્મદ હનીફ સફી મોહમ્મદ મકરાણી (રહે. નુરે મોહમ્મદી મસ્જિદની બાજુમાં, પીપરડીવાલા સ્કુલથી આગળ, ગોરે ગરીબા કબ્રસ્તાન રોડ, રાંદેર, સુરત) મળી આવ્યા હતાં.આ ત્રણેયને અટકાયતમાં લઇ તપાસ શરૂ કરાઇ હતી. જેમાં જીજે ૧૨ બીએક્સ ૮૩૮૫ નંબરનાં ટેન્કરમાંથી સ્ટીરીન મોનોમેર પ્રકારનું ૨૯,૮૭૦ કિ.ગ્રા. કેમિકલ મળ્યું હતું. જીજે ૧૩ એએક્સ ૧૬૩૫ નંબરના ટેન્કરમાંથી મિથાઈલ આઈસોબ્યુટાઈલ કિટોન પ્રકારનું ૨૪૮૫૦ કિલોગ્રામ કેમિકલ તથા જીજે ૦૫ સીયુ ૨૭૦૬ નબંરનાં ટેમ્પોમાં ચોરી કરેલા કેમિકલ ભરેલા કેરબા મળ્યા હતાં. ટેન્કર, ટેમ્પો, મોટર સાયકલ તથા કેમિકલ મળી પોલીસે કુલ ૧.૨૧ કરોડ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લાડુલાલ ઉર્ફે લોકેશ ખટીકે પોલીસને જણાવ્યું હતું કે, તે સુરેશચંદ્ર ખટીક તથા ત્રિકમ ખટીક સાથે કેમિકલ લે-વેચનો ધંધો કરે છે. સાયણ-હજીરા હાઈવે પરથી કેમિકલ ભરીને નીકળતા ટેન્કરોનાં ડ્રાઈવરોનો કોન્ટક્ટ કરી તેઓ પાસેથી સસ્તા ભાવે કેમિકલ ખરીદતા આવ્યા છે. ટેન્કર માલિકો પાસે ચોરી છૂપીથી ખરીદાયેલું કેમિકલ તેઓ અલગ અલગ જગ્યાએ છુટકમાં વધુ ભાવે વેચે છે. જેથી પોલીસે આ રેકેટમાં બે ટેન્કરનાં ડ્રાઇવર તથા ત્રિકમ ખટીકને વોન્ટેડ જાહેર કરી વધું તપાસ હાથ ધરી છે.