મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રેમની જાળ ગૂંથી રૂપિયા ૧૩.૩૭ લાખની ઠગાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   2079

મેટ્રોમોનિયલ વેબસાઇટના માધ્યમથી ઓળખાણ કેળવી લગ્નના બહાને વિશ્વાસ જીતી મહિલા પ્રોફેસર સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવાનો ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (દ્ગહ્લજીેં)માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી ૩૬ વર્ષીય મહિલાનો વિશ્વાસ જીતી, બેરિયાટ્રિક સર્જરી દરમિયાન તેમના મોબાઈલમાં પોતાની ફિંગરપ્રિન્ટ ઉમેરી અને નેટ બેંકિંગની માહિતીનો ઉપયોગ કરીને કુલ ૧૩.૩૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળ લખનઉના વતની અને હાલ ચિલોડામાં રહેતી મહિલા પ્રોફેસર છેલ્લા સાડા ચાર વર્ષથી લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

આશરે એક વર્ષ પહેલાં તેમની ઓળખાણ બેટર હાફ મેટ્રોમોનિયલ સાઇટ પર મૂળ ભુજના અને હાલ બેંગલુરુમાં રહેતા હિતેશ ધીરેન ઠક્કર સાથે થઈ હતી. શરૂઆતમાં સંપર્ક તૂટી ગયો હતો પરંતુ ૪ મે ૨૦૨૬ના રોજ આરોપીએ ફરી વોટ્સએપ મારફતે સંપર્ક કરી વિશ્વાસ જીત્યો અને બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ હતી.વાતચીત દરમિયાન આરોપીએ મહિલા પ્રોફેસરને વધતા વજનને ધ્યાનમાં રાખી બેરિયાટ્રિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ૧૪ મેના રોજ તે તેમને ગાંધીનગરની કે.ડી. હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ દરમિયાન મીઠી-મીઠી વાતો કરીને તેણે મહિલા પ્રોફેસરનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો અને તેમના મોબાઈલ ફોન તેમજ નેટ બેંકિંગ સંબંધિત માહિતી મેળવી લીધી હતી.૧૫ મેના રોજ સર્જરી દરમિયાન જ્યારે મહિલા પ્રોફેસર ઓપરેશન થિયેટરમાં હતા અને તેમનો મોબાઈલ આરોપી પાસે હતો, ત્યારે તેણે મોબાઈલના ફિંગરપ્રિન્ટ લોકમાં પોતાની ફિંગરપ્રિન્ટ ઉમેરી દીધી હતી.ત્યારબાદ બેંક ખાતામાં રહેલી મોટી રકમની જાણકારીનો લાભ લઈને ૧૬ મેના રોજ ૧૮.૧૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડી નાખી હતી. હોસ્પિટલનું અંદાજે ૬ લાખનું બિલ અને દવાનો ખર્ચ ચૂકવ્યા બાદ બાકીની રકમમાંથી ૧૭ અને ૧૮ મેના રોજ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને ૧૨.૫૦ લાખ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.આટલાથી અટક્યા વગર આરોપીએ ૩૧ મેના રોજ મહિલા પ્રોફેસરની તબિયત નાદુરસ્ત હોવાનો લાભ લઈ તેમના ઘરે જઈ મોબાઈલ મેળવી વધુ ૫૦ હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત ફરિયાદીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ૧ જૂન અને ૭ જૂનના રોજ કુલ ૮૭,૪૦૨ના ખર્ચા પણ કર્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution