લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026 |
2079
લસકાણામાં સ્કાય વ્યુ બિલ્ડિંગમાં ગુચી ફ્લોરા નામથી ડુપ્લિકેટ પરફ્યુમ વેચતાં યુવકને પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ક્રિષ્નપાલસિંગ રવિનાથસિંગ હરિયાણાના ગુડગાંવ સ્થિત કોપીરાઇટ પ્રીવેન્શનનું કામ કરતી કંપની આરએનએ માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરે છે. ગુચી ફ્લોરા નામની પર્ફ્યુમ બનાવતી કંપનીએ પણ તેમના કોપીરાઇટ હક્કાનો રક્ષણ માટે આરએનએ કંપનીને કામ સોંપ્યું છે. એકાદ મહિના અગાઉ આ કંપનીને માહિતી મળી હતી કે, લસકાણા વિસ્તારમાં સ્કાયવ્યુ બિઝનેસ હોરીઝોન નામની બિલ્ડિંગમાં સંદીપ બેલડીયા ગુચી ફ્લોરા કંપનીનાં ડુપ્લિકેટ પરફ્યુમનું વેચાણ કરે છે.
આ મામલે ખાનગી રાહે તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી માટે ક્રિષ્નપાલસિંગ દ્વારા લસકાણા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેના પગલે ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાએ તેમની ટીમ સાથે સ્કાયવ્યુ બિઝનેસ હોરીઝોન બિલ્ડિંગમાં પહેલા માળે ૧૦૧ નંબરની દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ દુકાનમાંથી સંદીપ જાદવભાઇ બેલડીયા મળી આવ્યો હતો. કતારગામમાં હાથી મંદિર રોડ ઉપર અક્ષરધામ સોસાયટીમાં રહેતા સંદીપ બેલડીયાને સાથે રાખી દુકાનમાં તપાસ કરાઇ હતી.
દુકાનમાંથી ગુચી શબ્દની સ્પેલિંગમાં એકાદ અક્ષરનો ફેરફાર કરી બનાવડાવેલા ૧૦૫૬ સ્ટીકર, સ્ટીકર વગર ગુચી ફ્લોરા કંપની જેવી જ ૨૧૪ બોટલ, ફ્લોરા પરફ્યુમનાં સ્ટીકર લગાવેલી પાંચ બોટલ વિગેરે મળી આવ્યું હતું. ૪૬ હજારની મતા કબજે લઇ કરાયેલી તપાસમાં સંદીપ બેલડીયા ગુચી ફ્લોરા જેવું જ પરફ્યુમ બનાવી તેને એ બ્રાન્ડની જેમ જ પેક કરી તેના નામે વેચતો હોવાનું બહાર આવતાં તેની સામે ગુનો ધી કોપી રાઈટ એક્ટ કલમ ૫૧, ૬૩ મુજબ કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.