લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
2871
કાપડના વેપારીને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ફોરેક્સ ટ્રેડિંગ થકી ટૂંકાગાળામાં વધારે નફાની લાલચમાં સપડાવી ૫૮.૫૦ લાખનું ફ્રોડ કર્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેસુમાં ફાયર સ્ટેશન પાસે રૂધમ એવેન્યુ એપાર્ટમેન્ટમાં સંજય ગૌતમચંદ ધેલારીયા (જૈન) તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ભાઠેના સ્થિત હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટેક્સટાઇલનો વેપાર કરે છે. નવેમ્બર-૨૦૨૫ના અરસામાં જૈનને ટેલીગ્રામ એપ્લીકેશન થકી શ્રુતિ શેટ્ટી સાથે સંપર્ક થયો હતો. થોડો સમય નોર્મલ વાતચિત બાદ શ્રુતિએ તેનો વોટ્સએપ નંબર જૈનને આપ્યો હતો. સાથે જ તેણીએ તે પી યુ પ્રાઇમ નામની કંપનીમાં ફોરેક્સ ટ્રેડિંગનું કામ કરતી હોવાની વાત પણ કરી હતી.
દરમિયાન શ્રુતિએ જૈનને એવી ઓફર આપી હતી કે, જો તમે પણ આ કંપનીમાં ઈન્વેસ્ટ કરશો તો તમને થોડાક જ સમયમાં ખુબ જ સારો નફો થશે. ટેલીગ્રામ અને વોટ્સએપ પર સતત ચેટ કરીને શ્રુતિ રોકાણ માટે જૈનને સમજાવતી રહી હતી. શ્રૃતિના આગ્રહને વશ થયેલા જૈને હા પાડી એટલે તેણીએ ટેલીગ્રામ ઉપર તેમની કંપનીની વેબસાઇટ લિંક મોકલી હતી. સંજય જૈને આ લિંક થકી રજીસ્ટ્રેશન કરાવ્યું અને પોતાની આઇડી બનાવી હતી. બાદમાં શ્રુતિએ જણાવ્યું હતું કે, ફોરેક્સ ટ્રેડિંગ માટે યુએસ ડોલરની જરૂર પડશે. જેથી તમે કંપનીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરશો એટલે તમારી આઇડીમાં યુએસડી ક્રેડિટ દેખાશે પછી તમે ફોરેક્સ ટ્રેડિંગ કરી શકશો. જૈને પહેલા એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. જેની સામે કંપની તરફથી આઇડીમાં યુએસડી ક્રેડિટ બતાવાઇ હતી. જેના થકી ટ્રેડિંગ કરાતાં જૈનને ૧૧,૦૫૦ રૂપિયા નફો થયો હતો. આ નફો જૈનના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી અપાતાં તેમને કંપનીમાં વિશ્વાસ ભરોસો બેઠો હતો. ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સંજય જૈનને તેમના રોકામ પર ૩.૭૮ લાખ રૂપિયા નફો થયાનું જણાવાયું હતું. જૈને નફાની રકમ વિડ્રો કરવા કહ્યું તો શ્રુતિએ જણાવ્યું હતું કે, કંપનીની પોલિસી મુજબ તમારી આઇડીમાં ક્રેડિટ ૬૦% નફો અને ૪૦% કેપીટલના રેસીયોમાં હોવી જરૂરી છે. આથી તમે ૯૩,૧૩૮.૭૬ ડોલર જમા કરાવવા પડશે. જૈને આ રકમ આપવાનો ઇનકાર કર્યો તો તેમને નફો તો વિડ્રો કરવા ન દેવાયો, કેપિટલ પણ ફ્રીઝ કરી દેવાઇ હતી. બાદમાં જૈને તપાસ કરી તો તેમણે રોકાણ કર્યું હતું એ પીયુ પ્રાઇમ નામની કંપની જ બોગસ નીકળી હતી. શ્રુતિએ ફેક કંપની પ્રોફાઇલ અને વેબસાઇટ બનાવી રોકાણના નામે ૫૮.૫૦ લાખ પડાવી લીધાનું જણાતાં આખરે જૈને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર ફરિયાદ આપી હતી. જેના આધારે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.