મોડાસામાં હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026  |   1881

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સોનલબેનની હત્યાના કેસમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.આર. ચૌધરીની અદાલતે આરોપી જીગ્નેશપુરી પ્રભાતગિરી ગોસ્વામીને આજીવન કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ૨૦ હજારનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે. માહિતી અનુસાર, આજથી આશરે બે વર્ષ અગાઉ મોડાસામાં પેલેટ ચોકડી પાસે આવેલા રિદ્ધિ-સિદ્ધિ કોમ્પ્લેક્સમાં આવેલી પ્રિયા ગેરેજની દુકાનમાં આરોપી જીગ્નેશપુરી ગોસ્વામી અને સોનલબેન મૈત્રી કરાર હેઠળ સાથે રહેતાં હતાં. છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી. આ તકરારનું સમાધાન કરવા સોનલબેનને ગેરેજ પર બોલાવવામાં આવ્યાં હતાં.

વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ બાજુમાં પડેલી હથોડી વડે સોનલબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઈજાઓના કારણે સોનલબેનનું મૃત્યુ થયું હતું. આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે તબીબી સાહેદો, પોલીસ સાહેદોના પુરાવા, એફએસએલના રિપોર્ટ સહિતના પુરાવાઓ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાને લીધા હતા.

સમગ્ર કેસમાં રજૂ કરાયેલા પુરાવાઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ૨૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. સરકાર તરફથી આ કેસની કાર્યવાહી સરકારી વકીલ વિજય એ. પંડ્યાએ સંભાળી હતી. તેમની રજૂઆતોને ધ્યાને લઈ અદાલતે સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાને મહિલાની હત્યાના ગંભીર ગુનામાં ન્યાયિક કાર્યવાહીનું મહત્ત્વપૂર્ણ પરિણામ માનવામાં આવે છે.

સગીરાને ગર્ભવતી બનાવી દેનાર આરોપીને ૨૦ વર્ષ કેદની સજા

હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રહેતી એક સગીરાને એક વર્ષ અગાઉ લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયા બાદ હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના શખ્સે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરીયાદ તત્કાલિન સમયે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસને અંતે ચાર્જશીટ ઈડરની પોકસો કોર્ટમાં રજુ કરી હતી જેની સુનાવણી તાજેતરમાં થતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધિશે આ નરાધમને ૨૦ વર્ષની કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.૧ લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. આ અંગે સરકારી વકીલ એન.એન.બારોટના જણાવાયા મુજબ વર્ષ ૨૦૨૫ માં વડાલીના એક પરિવારની સગીરાનું આગીયોલ ગામનો સંદીપ અરવિંદભાઈ ઉર્ફે ભરત રાવળ દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો ત્યારબાદ આ સગીરા પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી હતી જે અંગે સગીરાના વાલીવારસોને ખબર પડતાં વડાલી પોલીસ સ્ટેશનમાં સંદીપ રાવળ વિરૂધ્ધ પોકસો એકટ અંતર્ગત ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ બે દિવસ અગાઉ આ કેસની અંતિમ સુનાવણી થતાં ન્યાયાધિશ એમ.વાય.રાધનપુરવાલાએ સરકારી વકીલની દલીલો તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી પોકસો એકટની વિવિધ કલમો અંતર્ગત સંદીપ રાવળને ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.૧ લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution