લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
1782
નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સુપર બેકરીમાં કરવામાં આવેલી કડક તપાસ બાદ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મેયર મનીષ પટેલે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રના જવાબમાં મેયરે જણાવ્યું છે કે મનપા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સંપૂર્ણપણે જનહિતમાં અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે છે. તેમણે આરોગ્યલક્ષી કાયદેસરની કામગીરી સામે રાજકારણ ન ખેલવા માટે વિપક્ષને આકરી ટકોર કરી છે. નડિયાદ સ્થિત સુપર બેકરીમાં મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તાજેતરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેકરીમાં તૈયાર થતા પાઉં અને બ્રેડના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ તેમજ વપરાયેલી સામગ્રી અંગેનું કોઈ લખાણ કે સિમ્બોલ ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને અધિકારીઓએ સ્થળ પર જ કડક કાર્યવાહી કરી હતી. કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આવેદનપત્ર આપતાં મેયર મનીષ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, રેડ દરમિયાન પેકેજિંગ પર કોઈ જ તારીખ કે નિયમાનુસારના સિમ્બોલ નહોતા. તારીખ વગરની ખાદ્ય સામગ્રી નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જાેખમી છે. આવી ગંભીર બાબતે પણ વિપક્ષ અવાજ ઉઠાવીને મનપાની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યો છે તે અયોગ્ય છે. મનપાની પ્રાથમિક ફરજ શહેરીજનોના સ્વાસ્થ્યની જાળવણી કરવાની છે. મનપાની આકરી કામગીરીના પરિણામે હવે સુપર બેકરી દ્વારા વેચવામાં આવતા તમામ પાઉં અને બ્રેડના પેકેટ પર એક્સપાયરી ડેટના સ્ટીકર, સામગ્રીની વિગતો અને જરૂરી સિમ્બોલ સાથે જ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. મેયરે ઉમેર્યું હતું કે વિપક્ષે નડિયાદના લોકોને ખોટા ભ્રમમાં નાખવાને બદલે લોકોના આરોગ્ય સાથે જાેડાયેલા મુદ્દાઓ પર જવાબદારીપૂર્વક વર્તવું જાેઈએ.