લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
2970
ભારતની યજમાની હેઠળ નવી દિલ્હી ખાતે યોજાયેલી ૧૮મી બ્રિક્સ શિખર પરિષદના શનિવારના મહત્વપૂર્ણ દિવસે સભ્ય દેશો દ્વારા સર્વસંમતિથી ‘નવી દિલ્હી ઘોષણાપત્ર’ સ્વીકારવામાં આવ્યું છે. વૈશ્વિક વેપાર તણાવ, ટેરિફ યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે આયોજિત આ પરિષદમાં સંગઠને વેપાર, આતંકવાદ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્થાનિક ચલણમાં વેપાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સુધારા જેવા મહત્વના મુદ્દાઓ પર પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે.
આ ઘોષણાપત્રમાં ભારત માટે પણ રાજદ્વારી સ્તરે કેટલીક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. ભારતની પેરવી બાદ ઘોષણાપત્રમાં સરહદ પારના આતંકવાદ સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય ક્ષેત્ર અને નાણાકીય સહયોગ માટે નવા માળખા ઊભા કરવા અંગે પણ મહત્વના ર્નિણયો લેવાયા છે. બ્રિક્સના વિસ્તાર પછી યોજાયેલી આ બેઠક દર્શાવે છે કે વૈશ્વિક વિભાજન વચ્ચે પણ બ્રિક્સ દેશો આર્થિક અને મુત્સદ્દીગીરીના મુદ્દે મજબૂત સર્વસંમતિ સાધી શક્યા છે. પીએમ મોદીએ બ્રિક્સની બેઠકને સાર્થક અને રચનાત્મક ગણાવતા નિવેદન જારી કર્યું છે. મોદીએ પ્રસ્તાવ રાખતા કહ્યું, ન્યુ દિલ્હી ડિક્લેરેશનને સ્વીકાર કરવાનો પ્રસ્તાવ રાખું છું. ન્યુ દિલ્હી ડિક્લેરેશનને સર્વસંમતિથી અપનાવવામાં આવે છે. કોઈ પણ સભ્યએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. તેમણે આગળ કહ્યું, આજે આપણી બેઠક સાર્થક અને રચનાત્મક રહી. આપણી સંયુક્ત કટિબદ્ધતા સામે આવી છે. બદલાતા વિશ્વનું સંચાલન જૂના સંસાધનોથી કરી શકાય નહીં. ત્રણેયમાં સુધારાની જરૂર છે. ગ્લોબલ સાઉથની ભાગીદારી હોવી જાેઈએ. નિષ્ણાતોના મતે, બ્રિક્સના આ સંયુક્ત ઘોષણાપત્રને સર્વસંમતિથી સ્વીકૃતિ અપાવવી એ વડાપ્રધાન મોદી માટે એક મહત્વપૂર્ણ સફળતા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં જ સંયુક્ત રાષ્ટ્રની કાયમી સદસ્યતાના વિસ્તાર માટે વડાપ્રધાન મોદીએ કરેલી હાકલ એક ઉત્કૃષ્ટ પગલું હતું. તેમણે ચીનને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો, કારણ કે ભારતની કાયમી સદસ્યતાની દાવેદારીમાં ચીન જ અનેક રીતે અવરોધ ઊભો કરતું રહ્યું છે.
નવી દિલ્હી ઘોષણાપત્રના મુખ્ય મુદ્દાઓ
• એકતરફી ટેરિફ અને વેપારી પ્રતિબંધોનો વિરોધ: વૈશ્વિક સ્તરે વધતી જતી સંરક્ષણવાદી નીતિઓ વચ્ચે બ્રિક્સ દેશોએ કોઈપણ દેશ દ્વારા લાદવામાં આવતા એકતરફી આર્થિક પ્રતિબંધો અને ટેરિફનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો છે. સભ્ય દેશો વચ્ચે સરહદ પાર ચૂકવણી અને રોકાણની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની કટિબદ્ધતા દર્શાવી છે.
• આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ: આતંકવાદના તમામ સ્વરૂપોની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આતંકવાદી સંગઠનોને મળતું નાણાકીય ભંડોળ રોકવા અને સરહદ પારથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે એકજૂથ થઈને પગલાં ભરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
• પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે ચિંતા: પશ્ચિમ એશિયા (મધ્ય-પૂર્વ)માં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ અંગે ઘોષણાપત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ રાજદ્વારી ઉકેલ લાવવા આહ્વાન કરાયું છે.
• સ્થાનિક ચલણમાં વેપાર: યુએસ ડોલર પરની ર્નિભરતા ઘટાડવા અને સભ્ય દેશો વચ્ચેના વેપારને વેગ આપવા માટે પોતાની સ્થાનિક કરન્સીમાં સરહદ પારના વ્યવહારો વધારવા સંમતિ સાધવામાં આવી છે.
• ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ: ભારતના સફળ ડિજિટલ મોડેલને સ્વીકારીને ગ્લોબલ સાઉથના દેશોમાં ડિજિટલ ટેકનોલોજી અને એઆઈના સુરક્ષિત તથા સમાન ઉપયોગ માટે નવી વ્યવસ્થા સ્થાપિત કરવાનો ર્નિણય લેવાયો છે.