લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026 |
2475
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રને લઈને રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં હલચલ તેજ બની છે. રાજ્ય સરકાર અને વિધાનસભા તંત્રે સત્રની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આ સત્ર માત્ર બેથી ત્રણ દિવસનું રહે તેવી સંભાવના હોવા છતાં સરકાર માટે અનેક મહત્વપૂર્ણ કાયદાકીય સુધારા અને વહીવટી ર્નિણયોને મંજૂરી અપાવવા માટે તે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સરકાર આ ચોમાસુ સત્રમાં વિવિધ વિભાગોને લગતા સુધારા વિધેયકો રજૂ કરવાની તૈયારીમાં છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું જમીન ટુકડા ધારામાં સુધારા કરતું વિધેયક છે. રાજ્યમાં બદલાતી વિકાસની જરૂરિયાતો, શહેરીકરણ અને જમીન સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ અને વ્યવહારુ બનાવવા માટે સરકાર આ કાયદામાં જરૂરી સુધારા લાવવા ઇચ્છે છે. આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના કાયદાકીય સુધારા બિલો પણ વિધાનસભા સમક્ષ રજૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સત્ર દરમિયાન સરકાર વિવિધ વિભાગોના વહીવટી સુધારા તેમજ વિકાસલક્ષી ર્નિણયો સાથે જાેડાયેલા વિધેયકોને પણ મંજૂરી માટે રજૂ કરી શકે છે. ટૂંકા સમયગાળાના સત્રને ધ્યાનમાં રાખીને સરકાર માત્ર મહત્વના અને તાત્કાલિક કાયદાકીય કામકાજને જ પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે.બીજી તરફ વિધાનસભા સચિવાલયે પણ સત્રને સફળતાપૂર્વક યોજવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. સભ્યોને નોટિસ મોકલવા, પ્રશ્નોત્તરીની પ્રક્રિયા, વિધેયકોની યાદી તૈયાર કરવી, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા સહિતની તમામ વહીવટી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સત્રની તારીખો અંગે સરકાર અને વિધાનસભા તંત્ર વચ્ચે અંતિમ સ્તરની ચર્ચા ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રાજકીય રીતે પણ આ ચોમાસુ સત્ર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિપક્ષ દ્વારા રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો, વરસાદ અને કૃષિની સ્થિતિ, રોજગાર, કાયદો-વ્યવસ્થા, મોંઘવારી, સ્થાનિક સ્વરાજની કામગીરી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સંભાવના છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વિવિધ જાહેરહિતના પ્રશ્નોને લઈને સરકારને જવાબદાર ઠેરવવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે.સરકાર તરફથી બીજી બાજુ વિકાસલક્ષી કામગીરી, નવી યોજનાઓ, કાયદાકીય સુધારા અને વહીવટી ર્નિણયો પર ભાર મૂકવામાં આવશે. સરકારનું માનવું છે કે રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા તેમજ કાયદાકીય પ્રક્રિયાઓને સમયાનુકૂળ બનાવવા માટે કેટલાક કાયદાઓમાં સુધારા જરૂરી બની ગયા છે અને તેના માટે આ ચોમાસુ સત્ર મહત્વપૂર્ણ સાબિત થશે.
સત્રની સત્તાવાર તારીખો અને કાર્યસૂચિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાેકે, સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ચોમાસુ સત્ર યોજાવાની શક્યતા વચ્ચે સરકાર અને વિધાનસભા તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચતા રાજકીય ગરમાવો પણ વધવા લાગ્યો છે. હવે સૌની નજર સરકાર દ્વારા રજૂ થનારા મહત્વના સુધારા વિધેયકો, ખાસ કરીને જમીન ટુકડા ધારા સંબંધિત બિલ અને સત્ર દરમિયાન થનારી રાજકીય ચર્ચાઓ પર કેન્દ્રિત રહી છે.