અમરેલી પોલીસની દેશી દારુની ભઠ્ઠીઓ પર તવાઈ ડ્રોનથી ભઠ્ઠીઓ શોધી નાશ કરી દેવાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2022  |   6039

અમરેલી, અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણ/સેવન/વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામા આવ્યો હતો. જેને લઈને સ્‍પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ કરીને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્‍યાન કુલ ૬૫ કેસો કરવામાં આવ્યા છે. જેમાં ભઠ્ઠીના ૯, દેશી દારૂ કબ્‍જાના ૨૩ તથા કેફી પીણુ પીવા અંગેના ૩૩ કેસો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્‍લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્‍તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્‍યાએથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી. જેમાં એક જગ્યાએથી રૂ. ૬૬૦ની કિંમતનો ૩૩ લિટર દેશી દારૂ, ૨૭૦ રૂપિયાની કિંમતનો ૧૩૫ લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા ૭૧૦ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૧૬૪૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂ. ૨૨૮૦ની કિંમતનો ૧૨૪ લિટર દેશી દારૂ, ૩૬૪ રૂપિયાની કિંમતનો ૧૮૨ લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા ૧૮૨૫ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૪૪૬૯ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ડ્રાઇવ દરમ્‍યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ ૪૯ આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution