22, જુલાઈ 2025
નવી દિલ્હી |
1584 |
તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત, અસુવિધા બદલ એર ઇન્ડિયાએ ખેદ વ્યક્ત કર્યો
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ કરતા થોડીવાર પહેલા જ એર ઇન્ડિયાની કોલકાતા જતી ફ્લાઇટને રદ કરવી પડી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર, વિમાન રનવે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ખામી સર્જાઈ હતી. સાવચેતીના ભાગરૂપે, પાઇલટ્સે બ્રેક લગાવી અને ફ્લાઇટ રોકી દીધી, જેથી તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનાને કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી, પરંતુ એરપોર્ટ પર અન્ય તમામ કામગીરી સરળતાથી ચાલુ રહી હતી.
મળતી વિગતો મુજબ ટેક-ઓફ સમયે ટેક્નિકલ ખામીને કારણે દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ AI2403 રિશેડ્યૂલ કરવામાં આવી છે. તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યાં હતા. એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન આપતા કહ્યું કે, 'આ અચાનક સમસ્યાને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. એર ઇન્ડિયા માટે તેના મુસાફરોની સલામતી જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.'
સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. કોચીથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2744 ભારે વરસાદ વચ્ચે રનવે પરથી લપસી ગઈ હતી.