લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
2970
રેલવે તંત્રે સુરત મહાનગર પાલિકાની જગ્યા બારોબાર પચાવી પાડી હોવાનો મુદ્દો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉઠતાં કલેક્ટર પણ ચોંકી ઉઠ્યાં હતાં. સામાન્ય માણસ સરકારી જગ્યા ઉપર દબાણ કરે તો લેન્ડ ગ્રેબિંગ સહિતનાં કાયદા હેઠળ કડક પગલાં લેવાય પરંતુ કેન્દ્ર સરકારનાં રેલવે તંત્ર દ્વારા જ મહાનગર પાલિકાની જમીન પચાવી પાડવામાં આવી હોય તો કોની સામે પગલાં લેવા તે પ્રશ્ન ઉભો થયો છે. જાે કે, રેલવે તંત્રનાં અધિકારીએ તો જમીન પચાવી પાડી હોવાનો ઇન્કાર કરતાં જિલ્લા કલેક્ટર તેજસ પરમારે રેલવે તંત્ર, મહાનગર પાલિકા તંત્ર અને સિટી સર્વે વિભાગની સંયુક્ત બેઠક બોલાવી જમીનની માલિકી ચકાસવાનો આદેશ ફરમાવ્યો હતો.
સચિન વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા અમૃત સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં સુરત મહાનગર પાલિકાનો ફાઇનલ પ્લોટ પણ રેલવે તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવ્યો છે. મનપાનાં ઉધના-બીઝોનનાં અધિકારીઓનાં ધ્યાને આ બાબત આવતાં તેમણે સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું. બીજીતરફ ધારાસભ્ય સંદિપ દેસાઇનાં ધ્યાને પણ આ ગંભીર વિગતો આવતાં તેમણે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. સચિન રેલવે સ્ટેશનને અડીને આવેલાં મહાનગર પાલિકાનાં પ્લોટ ઉપર રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મનાં એક્સ્ટેન્શન સહિતની સિવિલવર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગર પાલિકાએ રેલવે તંત્ર પાસે જમીનની માલિકીનાં પુરાવા માગ્યા પરંતુ આજદિન સુધી તેમણે આપ્યા નથી. આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમારે રેલવે તંત્ર તરફથી ઉપસ્થિત રહેલાં ઇજનેરને પુછતાં તેમણે તો મુંબઇ સ્થિત મુખ્ય ઓફિસ ઉપર ઢોળી દીધું હતું. સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓએ તો જે જમીન ઉપર રેલવે દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે તે જમીન-પ્લોટ મહાનગર પાલિકાની માલિકીનો હોવાનું જણાવ્યું હતું જેથી ગુંચવણ ઉભી થતાં ધારાસભ્ય સંદિપ દેસાઇએ બંને તંત્રની સંયુક્ત મીટિંગ બોલાવીને નિરાકરણ લાવવાનું કહેતાં જિલ્લા કલેક્ટરે રેલવે, મહાનગર પાલિકા અને સિટી સર્વે વિભાગનાં અધિકારીઓની સંયુક્ત મીટિંગ બોલાવી જમીનની માલિકી ચકાસવાનો આદેશ કર્યો હતો. એમ્બ્યુલન્સ અને શબવાહિની માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં છ-આઠ મહિનાથી મંજૂરી મળી નહીં હોવાની રજૂઆત પણ સંદિપ દેસાઇએ કરી હતી જેમાં આયોજન વિભાગમાંથી વિલંબ થયો હોવાનું જણાવાયું હતું. સંદિપ દેસાઇએ ઇચ્છાપોરથી હજીરા સુધી ગેરકાયદે પાર્ક રહેતાં વાહનો અંગે પણ રજૂઆત કરી હતી.
ધારાસભ્ય મનુ પટેલ(ફોગવા)એ ભેદવાડ અને મીઠીખાડીમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં ગંદા કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અધિકારીઓ કુલડીમાં ગોળ ભાંગી રહ્યાં હોવાનો સીધો આક્ષેપ લગાવીને તતડાવ્યાં હતાં. કલેક્ટરે જીપીસીબી અને મહાનગર પાલિકાનાં અધિકારીઓને સંયુક્તપણે અભિયાન ચલાવી ખાડીમાં ગંદુ પાણી ઠાલવતાં ઉદ્યોગો સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત મનુ પટેલે ગેરકાયદે બોર ખોદીને પાણીનો વેપલો કરનારા તત્વો અંગે પણ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, પાણીનાં ટેન્કરોને કારણે રોડને તો નુક્સાન થાય જ છે સાથો સાથ પૂરઝડપે ભાગતાં ટેન્કરોથી જીવલેણ અકસ્માતનો પણ ભય રહે છે જેથી કલેક્ટરે ટ્રાફિક પોલીસ, મહાનગર પાલિકા તેમજ આર.ટી.ઓ.ને સંયુક્ત કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. મનુ પટેલે સુચિત સોસાયટીનાં લોકોને પ્રોપર્ટીકાર્ડ આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.