લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2026 |
2772
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ ઈરાનની લશ્કરી તાકાતને નબળી પાડવાનો હતો. આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવી રહી હતી. ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જાે જરૂર પડે તો મુખ્ય ઈરાની સ્થાપનો પર હુમલાઓ વધુ તીવ્ર બનાવવામાં આવશે. જાે જરૂર પડે તો જમીની લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો છે. સૈન્ય કાર્યવાહી વચ્ચે ઈરાને અનેક મોટા દાવા કર્યા છે.
ઈરાની મીડિયા અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જણાવ્યા મુજબ, બુશેહર ઉપર ઉડી રહેલા અમેરિકાના MQ-9રીપર ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ઈરાનનો દાવો છે કે, અંદાજે ૩.૪ કરોડ ડોલરની કિંમત ધરાવતું આ ડ્રોન થોડા જ ક્ષણોમાં નષ્ટ થઈ ગયું. જાેકે, અમેરિકા તરફથી આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસિન રઝાઈએ જણાવ્યું કે જાે અમેરિકાના હુમલા હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો ઈરાન પોતાની સંપૂર્ણ તાકાત સાથે જવાબી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે. અમેરિકા જે દેશોની જમીન અથવા સૈન્ય મથકોનો ઉપયોગ કરશે, ત્યાં આવેલી અમેરિકન કંપનીઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. ઈરાનના સરકારી ટીવી અને તસ્નીમ સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે, હોર્મુઝ જળમાર્ગના દક્ષિણ ભાગમાં બે તેલના ટેન્કરો વિસ્ફોટ બાદ આગની ઝપેટમાં આવી ગયા. ઈરાનનું કહેવું છે કે તેણે અગાઉથી જ જહાજાેને આ માર્ગનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી.
અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયો છે. ઉપરાંત, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈત અને જાેર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા અને જાેર્ડનના મુવાફ્ફક સાલ્ટી એર બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
જાેર્ડન પર ઈરાનનો હુમલો :USના ૪ હજાર સૈનિકો તહેનાત, અનેક ઘાયલ
ઈરાને જાેર્ડનમાં અમેરિકી સૈન્ય મથકો પર વળતો હુમલો કરતાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. કુલ મળીને જાેર્ડનમાં અમેરિકાના લગભગ ત્રણથી ચાર હજાર સૈનિકો તૈનાત છે. શનિવારે અને આ પહેલા ઈરાને જાેર્ડનમાં અમેરિકા સાથે જાેડાયેલા બે મથકો પર હુમલા કર્યા. જેમાં મુવફ્ફાક સાલ્તી એર બેઝ અને પ્રિન્સ હસન એર બેઝ સામેલ છે.