લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1683
ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય દ્વારા ઠાસરા તાલુકાના સાઢેલીયા ગામે પહોંચીને ગ્રામજનો સાથે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આ અચાનક યોજાયેલી બેઠકમાં કલેક્ટરે ગામની વિવિધ સમસ્યાઓ અંગે સીધો લોકસંપર્ક કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. લોકદરબાર જેવા માહોલમાં ગ્રામજનોએ રજૂ કરેલી ફરિયાદોને પગલે કલેક્ટરે કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરીને અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી વારંવાર તૂટી જતા અને હલકી ગુણવત્તાના કારણે ચર્ચામાં આવેલા માર્ગો અંગે કલેક્ટરે આકરું વલણ અપનાવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તાત્કાલિક રોડનું રિપેરિંગ શરૂ કરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. ગામમાં થયેલા ગેરકાયદેસર દબાણો અંગે તલાટીની ઝાટકણી કાઢીને ૧ મહિનામાં તમામ દબાણો દૂર કરવા અથવા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. ગામમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા વખતે તમામ પાત્રતા ધરાવતા નાગરિકો માટે આયુષ્માન કાર્ડ બનાવવાનો સોટકા ટાર્ગેટ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. ઉપરાંત કલેક્ટરે સ્થાનિક પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને અપાતા નાસ્તાની પોતે ટેસ્ટ કરીને ગુણવત્તા ચકાસી હતી. પૌષ્ટિક અને નિયમ મુજબ નાસ્તો આપવા તંત્રને કડક સૂચનાઓ પાઠવવામાં આવી હતી. છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓનો લાભ અને પાયાની સુવિધાઓ પારદર્શક રીતે પહોંચે તે માટે કલેક્ટરે સમગ્ર તંત્રને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
યોજનાઓ માત્ર કાગળ પર ન રહેતા સામાન્ય નાગરિકોને તેનો પ્રત્યક્ષ લાભ દેખાવો જાેઈએ તે બાબત પર ભાર મૂક્યો હતો. અધિકારીઓએ પોતાની કામગીરીની શૈલી સુધારીને પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર નિકાલ લાવવા જણાવ્યું હતું. સાઢેલીયામાં કલેક્ટરની અચાનક સક્રિયતા અને આકરા વલણને પગલે સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરના કડક વલણ બાદ હવે સ્થાનિક અધિકારીઓની કામગીરીમાં કેટલો સુધારો આવે છે અને આપેલા આદેશોનું કેટલું ઝડપી પાલન થાય છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર મંડાયેલી છે.