લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
1683
ઓલપાડ તાલુકામાં આવેલા પરિયા ગામે ગૌચરની જમીન સબસ્ટેશન માટે ફાળવી દેવાના ર્નિણય સામે ગ્રામજનોનો આક્રોશ સતત વધી રહ્યો છે. વિરોધ પ્રદર્શનના ત્રીજા દિવસે પણ પરિસ્થિતિ તંગ રહી હતી અને ગ્રામજનોએ એકજૂથ થઈને શાસક પક્ષ સામે સીધો મોરચો માંડ્યો છે. આક્રોશિત ગ્રામજનો દ્વારા ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ગાય માતાના નામે મત લઈને હિન્દૂ રાષ્ટ્રના ગામ પરિયામાં ગાય માતાનું ગૌચર વેચી દેનાર ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશવાની મનાઈ છે. ગામના પ્રવેશદ્વાર સહિત વિવિધ સ્થળોએ આ પ્રકારના બોર્ડ મારીને ગ્રામજનોએ "ભાજપ હાય હાય" ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પરિયા ગામની કુલ ૫૪ વીઘા ગૌચરની જમીનમાંથી આશરે ૧૮ વીંઘા જમીન કલેક્ટર દ્વારા જેટકોને ૨૨૦ કે.વી. સબસ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જાન્યુઆરી-૨૦૨૫માં આ અંગેનો સત્તાવાર હુકમ કરાયો હતો અને મે-૨૦૨૪માં મળેલી રાજ્ય કક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિમાં રૂ. ૧,૨૧૦૫ પ્રતિ ચો.મી.ના ભાવે નક્કી કરેલી રકમ જેટકો દ્વારા ચૂકવવામાં આવતા જમીનનો કબ્જો સોંપી કામગીરી શરૂ કરવામાં આવી છે.
કલેક્ટરે પરિયા ગામની ગૌચરની જમીનના બદલામાં ૨૫ કિમી દૂર આવેલા ઓલપાડ કાંઠાના મોર ગામે સરકારી પડતર જમીનમાં ગૌચર જાહેર કર્યું છે. આ ર્નિણય સામે પશુપાલકોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે, શું અમારા પોતાના પશુઓને ચરાવવા ૨૫ કિમી દૂર મોર ગામ સુધી લાંબા થવું પડશે? શું સરકાર અમારા ગામના પશુઓને મોર ગામની સીમમાં ઘાસચારો ચરવા લઈ જવા અને આવવા માટે રોજ નિયમિત વાહનોની વ્યવસ્થા કરી આપશે, તેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે. છેલ્લાં ઘણા દિવસોથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો ગૌચરની જમીન પાછી સોંપવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં વધુ આકરા કાર્યક્રમો આપી આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.