/
કોંગ્રેસનો ગઢ મહુધા તાલુકામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું!

નડિયાદ : કોંગ્રેસનો ગઢ માનવામાં આવતાં મહુધા વિધાનસભા શ્રેત્રમાં ભાજપે આજે મોટું ગાબડું પાડતાં ખેડા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. મહુધાના મિરઝાપુર ખાતે યોજાયેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ આગેવાનો, સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાતાં તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાગરમી વ્યાપી ગઈ છે.  

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભા દંડક પંકજ દેસાઈ તેમજ પૂર્વ મંત્રી અને ખેડા જિલ્લા સંગઠન પ્રભારી જયસિંહ ચૌહાણે પ્રાસંગિક સંબોધન કરી કોંગ્રેસના કાર્યકરોને કેસરિયો ખેંસ ધારણ કરાવી ભાજપમાં આવકાર્યા હતા. ૨૦૨૧ની શરૂઆતમાં જ ખેડા જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે. ચરોતરમાં કોંગ્રેસનો ગઢ ગણાતાં મહુધા તાલુકામાં કોંગ્રેસમાં ભાજપે મોટું ગાબડું પાડતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મહુધા તાલુકા પંચાયતમાં સત્તાના નવા સમીકરણો આકાર લેશે તેવો અણસાર આવી ગયો છે.

આજે મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિક્રમસિંહ રાઉલજીની આગેવાનીમાં ૫૦થી વધુ અગ્રણી કાર્યકરો, સરપંચો, પદાધિકારીઓ અને સહકારી આગેવાનો ભાજપમાં જાેડાતાં મહુધામાં રાજકીય ગરમાગરમી આવી ગઈ છે. મહુધા વિધાનસભામાં મહુધા શહેર અને તાલુકાના ૪૨ ગામોનો વિસ્તાર સમાવિષ્ટ છે. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ હોઈ મહુધા નગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભા કોંગ્રેસના હાથમાં છે. આજે ૧૮ જેટલા કોંગ્રેસ સાથે વર્ષોથી જાેડાયલાં સરપંચોએ ભગવો ખેંસ ધારણ કરીને કેસરિયા કર્યા છે.મહત્વનું છે કે આ તાલુકામાં અન્ય ૭ પંચાયતો ઉપર પહેલેથી ભાજપનું વર્ચસ્વ છે. જે મુજબ હાલ ૪૨માંથી ૨૬ જેટલી ગ્રામ પંચાયતોમાં ભાજપ મજબૂત થતાં આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ સાબિત થશે એવું મનાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution