બોડી પ્રા. શાળાના મુખ્ય શિક્ષકને શો-કોઝ નોટિસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   1782

ઉપરી અધિકારીના વહીવટી હુકમની અવગણના કરવા,શાળા વ્યવસ્થાપન સમિતિના બહાના હેઠળ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા તેમજ શાળા સમયપાલનના ભંગ બદલ ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બોડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ઘટનાની વિગતો અનુસાર, રાઠોડપુરા પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલતી હોવાથી બાળકોના અભ્યાસના હિતમાં બોડી પ્રાથમિક શાળામાંથી એક શિક્ષકની કામગીરી ફેરફારથી બદલી કરવાનો સ્પષ્ટ આદેશ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવ્યો હતો. બોડી શાળામાં ૬૧ વિદ્યાર્થીઓ સામે ૩ શિક્ષકો ઉપલબ્ધ છે, જ્યારે રાઠોડપુરામાં માત્ર ૧ જ શિક્ષક હોવાથી શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું હતું. આમ છતાં, મુખ્ય શિક્ષકે સંબંધિત શિક્ષકને મુક્ત કરવાની સાફ મનાઈ કરી દીધી હતી અને જીસ્ઝ્ર નોટિસ/રજૂઆતની આડ લઈને વહીવટી હુકમમાં અવરોધ ઊભો કર્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સ્પષ્ટ કર્યું છે કે આરટીઈ એક્ટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિને શાળા વિકાસના અધિકારો છે, પરંતુ તાલુકાના મહેકમ કે શિક્ષકોની ફાળવણીમાં હસ્તક્ષેપ કરવાની કોઈ સત્તા નથી.

આ ઉપરાંત, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શનિવારની સવારની શાળા હોવા છતાં, નિયત સમયે ટાઈમ અને લોકેશન સાથેનો ફોટો/સેલ્ફી રિપોર્ટ મોકલવાને બદલે સવારે ૭:૩૭ વાગ્યે વિલંબથી મોકલાયો હતો, જે ગંભીર શિથિલતા દર્શાવે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આ વર્તનને ગુજરાત પંચાયત સેવા નિયમોનો ભંગ ગણાવીને મુખ્ય શિક્ષકને કડક સૂચનાઓ આપી છે, જેમાં શિસ્તવિષયક અને શિક્ષાત્મક પગલાં કેમ ન ભરવા તે અંગે દિન-૭ માં રૂબરૂ લેખિત ખુલાસો રજૂ કરવો.શિક્ષકને તાત્કાલિક રીલીવ કરી રાઠોડપુરા શાળા ખાતે હાજર થવા રીલીવિંગ રિપોર્ટ મોકલવો.જાે નિયત સમયમાં સંતોષકારક ખુલાસો કે આદેશનું પાલન નહીં થાય, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડા-નડિયાદને એકપક્ષીય શિસ્તવિષયક કાર્યવાહી માટે રિપોર્ટ સોંપવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution