BRICS  સમિટ: ૭ વર્ષ બાદ શી જિનપિંગ ભારત આવશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026  |   4356

ગલવાન સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વચ્ચે જે તિરાડ પડી હતી તે બાદ હવે બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે આજે સત્તાવાર જાહેરાત કરી છે કે શી જિનપિંગ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી ૧૮મી BRICS  સમિટમાં ભાગ લેશે. આટલું જ નહીં બ્રિક્સ સમિટની સાથે ૧૨ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. શી જિનપિંગનો આ ભારત પ્રવાસ ૨૦૧૯ પછીનો પ્રથમ પ્રવાસ છે. વર્ષ ૨૦૨૦ ના જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો વીરગતિ પામ્યા હતા, ત્યારથી સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ હતી. જાેકે, બંને પક્ષોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પરના વિવાદિત પોઇન્ટ્સ પરથી સૈનિકોને પાછા ખેંચીને પરિસ્થિતિ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં સમગ્ર સીમા વિવાદ હજુ વણઉકેલાયેલો છે. આ સાથે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ૧૧ સપ્ટેમ્બરે પહોંચશે, જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગ ૧૨ સપ્ટેમ્બરે પાલમ એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. ઈરાનના નેતા પેઝેશ્કિયાન પણ સામેલ થશે. વૈશ્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને મુખ્ય કાર્યક્રમ સ્થળ ‘ભારત મંડપમ‘ ખાતે આશરે ૩૦,૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં અડધા દિલ્હી પોલીસના અને બાકીના અર્ધલશ્કરી દળોના જવાનો છે. ચીન અને રશિયાની પોતાની એડવાન્સ સુરક્ષા ટીમો અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો સાથે દિલ્હી આવી પહોંચી છે. આ ટીમો નેતાઓ જે હોટલમાં રોકાવાના છે તેના ગ્રાઉન્ડ ફ્લોર, રૂફટોપ અને પ્રમુખોના રૂમવાળા માળ પર તહેનાત થઈ ચૂકી છે. દિલ્હી પોલીસ દ્વારા હોટલના પ્રત્યેક કર્મચારીનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હી તેમજ તેમના મૂળ રાજ્યોમાંથી રેકોર્ડ તપાસવામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સુરક્ષા વ્યવસ્થા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. જ્યારે રશિયન પ્રમુખ જે હોટલમાં રોકાશે ત્યાં એક એડિશનલ ડીસીપી, બે એસીપી ખડેપગે રહેશે. રશિયા અને ચીન બંને દેશોના રાષ્ટ્રપતિઓ પોતાના વિશેષ વિમાનો દ્વારા પોતાના સુરક્ષા વાહનો અને કાફલાની લક્ઝરી કાર્સ સાથે લાવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution