૨,૭૦૦ની કેન્સરની દવા સીધી ૨૭,૦૦૦માં વેચાય છે, દિન-દહાડે લૂંટ અને ડકેતી!: SC 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, સપ્ટેમ્બર 2026  |   2079

કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ સામે ઝઝૂમી રહેલા દર્દીઓ અને તેમના પરિવારો સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે થઈ રહેલી ખુલ્લેઆમ લૂંટફાટ અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઉત્પાદક કંપનીઓ દ્વારા છૂટક વેપારીઓને માત્ર ૨,૭૦૦ રૂપિયામાં મળતી આવશ્યક કેન્સરની દવાઓ પર ૨૭,૦૦૦ રૂપિયા સુધીની પ્રિન્ટેડ  MRP વસૂલવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતાં સર્વોચ્ચ અદાલતે આ બાબતને ‘દિવસ-દહાડે લૂંટ અને ડકેતી’ ગણાવીને તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્સરની દવાઓની કિંમતો અને તેના પર છપાતી મહત્તમ છૂટક કિંમત વચ્ચેના આકાશ-પાતાળના તફાવત અંગેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સામે આવ્યું કે ફાર્મા કંપનીઓ અને સપ્લાય ચેઇન રિટેલર્સને અતિશય ઓછા ભાવે દવાઓ પૂરી પાડે છે, પરંતુ દર્દીઓ માટે તેની  MRP  દસ ગણી સુધી વધારીને છાપવામાં આવે છે. ૯૦ ટકા સુધીના આ અતિશય નફાખોરીના ખેલથી લાલઘૂમ થયેલી પીઠે કહ્યું કે, ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓના પરિવારોનું આર્થિક શોષણ સહન ન કરી શકાય. આટલી મોટી લૂંટફાટ ચાલી રહી હોવા છતાં આ બાબતે કડક પગલાં લેવા માટે જવાબદાર એવા નિયામક સત્તામંડળો અને સરકારી અધિકારીઓના મૌન પર સુપ્રીમ કોર્ટે ઊંડું આશ્ચર્ય અને સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કટાક્ષમાં કહ્યું હતું કે, આ અધિકારીઓ કેમ ચુપચાપ તમાશો જાેઈ રહ્યા છે તેના કારણો સ્પષ્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પરિસ્થિતિ પોતે જ બધું કહી આપે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution