કૅપ્ટન સ્મિત મચ્છરને વિશિષ્ટ ગુજરાત ગરિમા ઍવોર્ડથી સન્માનિત કરાશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   2970

ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થવા છતાં ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની શૌર્યગાથાને બિરૂદાવતા ગુજરાત સરકારે મોટો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિતની અસીમ ખુમારી અને બહાદુરીને બિરદાવતા તેમને રાજ્યના અત્યંત પ્રતિષ્ઠિત વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.

ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરના નામે એક પોસ્ટમાં લખ્યું, ગુજરાત અને આખા દેશને ખૂબ ગર્વ છે. આકાશમાં કેપ્ટન સ્મિત મચ્છરે જે અદમ્ય સાહસ અને વીરતા દર્શાવી, તે ખરેખર કલ્પનાથી પર છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે હુમલાખોરનો સામનો કર્યો, એક મોટી દુર્ઘટના ટાળી અને ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે સ્મિત મચ્છર એક ગૌરવશાળી ભારતીય છે અને તેમની રગોમાં ગુજરાતી લોહી દોડે છે, જે તેમની હિંમતનું સાચું ઉદાહરણ છે. ગુજરાતી મૂળના આ બહાદુર પુત્રે વૈશ્વિક મંચ પર સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યંુ હતું કે, આપણે સૌ સાથે મળીને સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય અને શીઘ્ર સ્વસ્થ થવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. કેપ્ટન સ્મિત મચ્છરની આ અસાધારણ અને પ્રેરણાદાયી બહાદુરીના વિશ્વભરમાં ભરપૂર વખાણ થઈ રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઇસાક હરઝોગે તેમને એક સાચા હીરો ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્મિતની પ્રશંસા કરતા તેમને બહાદુર હીરો ગણાવ્યા છે.


એક ભારતીયે ૯/૧૧ જેવી તબાહી થતાં અટકાવી દીધી 

યુપીએસસીના શતાબ્દી સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરના અદભુત સાહસ અને જાંબાજીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એક ભારતીય પાઇલટે પોતાની અદભૂત સૂઝબૂઝ અને અડગ મનોબળથી મોટી આફત ટાળીને ૯/૧૧ જેવી ગંભીર ઘટના થતી અટકાવી લીધી છે. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી આ ઘટનામાં કેપ્ટન સ્મિત મચ્છરે જે પ્રકારે અત્યંત કપરા સંજાેગોમાં પણ ધૈર્ય, સાહસ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું છે, તેણે દરેક દેશવાસીનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન અને પત્ની સોનલ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને પરિવારની હિંમતને બિરદાવી હતી.


ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરની તબિયત હાલ સ્થિર 

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ હ્લઢ૧૦૭૩માં કોકપિટની અંદર થયેલા હિંસક હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાયલટ કૅપ્ટન સ્મિત મચ્છરની તબૂકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેમની હાલત સ્થિર છે અને દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે. સાઉદી અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ફ્લાઇટમાં ૧૭૪ લોકો સવાર હતા. ઉડાન દરમિયાન કૅપ્ટન સ્મિત મચ્છર અને તેમના કોપાયલટ વચ્ચે કોકપિટમાં વિવાદ થયો હતો. અહેવાલો અનુસાર કોપાયલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

આ દરમિયાન વિમાન અચાનક ઝડપથી નીચે જવા લાગ્યું. કોકપિટમાંથી આવતી બૂમાબૂમ અને સ્થિતિને પગલે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપિટ તરફ પહોંચ્યા. ગંભીર ઈજા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજાે ખોલી દીધો. આથી મુસાફરો અને ક્રૂને અંદર પ્રવેશવાની તક મળી અને હુમલાખોર કોપાયલટને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. ત્યાર બાદ વિમાનમાં મુસાફર તરીકે સવાર બે ઑફ-ડ્યુટી પાયલટોએ નિયંત્રણ સંભાળ્યું. ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર અન્ય મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજાે ખોલવાથી મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી છે. ગંભીર ઈજા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે જે પગલું લીધું તેને બંને દેશોના નેતાઓએ મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે.

કૅપ્ટન સ્મિત મચ્છર અગાઉ સ્પાઇસજેટમાં કામ કરી ચૂક્યા છે. તેઓ લગભગ ૧૧ વર્ષ સુધી સ્પાઇસજેટ સાથે જાેડાયેલા રહ્યા હતા અને ૨૦૨૨માં ફ્લાયદુબઈમાં જાેડાયા હતા. તેઓ બોઇંગ ૭૩૭ વિમાન ઉડાવે છે અને તેમની પાસે પાયલટ તરીકેનો ખૂબ જ બહોળો અનુભવ છે. અગાઉ તેઓ અન્ય પાયલટોને તાલીમ અને માર્ગદર્શન આપવાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. હાલમાં સ્મિત મચ્છર તબૂકની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય દૂતાવાસે તેમની તબિયત પર નજર રાખવાની સાથે તેમના પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ફ્લાઇટમાં બનેલી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution