ગાંધીનગર, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના જાેઇન્ટ સેક્રેટરી કે. રાજેશ સામે જે તે સમયે હથિયારના લાઇસન્સ આપવામાં તેમજ જમીનના મામલામાં નાણાંકીય વ્યવહારો કર્યા હોવાની ફરિયાદના આધારે ગુરુવારે મોડી રાત્રે દિલ્હીથી સીબીઆઇની ટીમ ત્રાટકી હતી. જેમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને તેમના વતન આંધ્રપ્રદેશ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ આરોપો અંતર્ગત દિલ્હી સીબીઆઇમાં થયેલી ફરિયાદના આધારે કે. રાજેશની ધરપકડની સાથે સુરતના વચેટિયા એવા એક વ્યક્તિની પણ ધરપકડ કરાઇ છે. સીબીઆઇના અધિકારીઓની ટીમે ગુરુવારે મોડી રાત્રે ગુજરાત કેડરના આઇએએસ અધિકારી કન્કીપતિ રાજેશના નિવાસસ્થાન, ઓફિસ તેમજ તેમના વતન આંધ્રપ્રદેશ ખાતે દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ વ્યક્તિઓને હથિયારના લાઈસન્સ આપવામાં અનિયમિતતાના મામલે આ દરોડા પડાયા હોવાનું એજન્સીના સૂત્રોએ જણાવ્યુ હતું. કન્કીપતિ રાજેશ ગુજરાત કેડરના વર્ષ ૨૦૧૧ની બેચના અધિકારી છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)માં જાેઇન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે. ગુજરાત કેડરના વર્ષ-૨૦૧૧ની બેચના આઇએએસ અધિકારી કે. રાજેશના ત્યાં દિલ્હી સીબીઆઇની ટીમે ગત મોડી રાત્રિના દરોડા પાડ્યા હતા. મૂળ આંધ્રપ્રદેશના વતની એવા આઇએએસ અધિકારીને ત્યાં સીબીઆઇના દરોડા પાડતા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભારે હલચલ મચી જવા પામી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કે. રાજેશ પર કથિત જમીન કૌભાંડ, બંદૂક લાઇસન્સ કેસમાં લાંચ લેવાના આરોપ છે. આ આઇએએસ અધિકારી વિરુદ્ધ દિલ્હી સીબીઆઇમાં એફઆઇઆર નોંધાઈ હતી. જેના અંતર્ગત દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા કે. રાજેશ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી તે સ્થળો ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીના વતન રાજ્ય આંધ્રપ્રદેશના નિવાસસ્થાને પણ સીબીઆઇ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઈના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલમાં સુરત સ્થિત કાપડના વેપારીને પણ એજન્સીના અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે, “અમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સાથે ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાના આરોપો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કારણ કે, પોલીસ દ્વારા હથિયાર લાઇસન્સ આપવા માટે નકારાત્મક રિપોર્ટ આપ્યો હોવા છતાં તેમણે વિવિધ લોકોને લાઇસન્સ પૂરા પાડ્યા હતા.” તેમ પણ સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજેશે કથિત રીતે વિવિધ અરજદારો પાસેથી અન્ય તરફેણ પણ માંગી હતી. કે. રાજેશ સામે ગત જાન્યુઆરી ૨૦૨૧માં કથિત ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા હતા. જ્યારે અમદાવાદનાં એક વેપારીએ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી કે, કન્કીપતિ રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર આઇએએસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે હથિયારનું લાઇસન્સ આપવા માટે અરજદાર પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ ઉપરાંત ફેબ્રુઆરી-૨૦૨૧માં કે, રાજેશ વિરુદ્ધ સમાન પ્રકારની અન્ય બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સૌરાષ્ટ્રની બે વ્યક્તિ પાસેથી રૂપિયા પાંચ લાખનો ચેક અને રૂપિયા ૩૨ લાખ રોકડા માગ્યા હતા. જ્યારે ગત તા. ૫ માર્ચના રોજ સૌરાષ્ટ્રના એક ખેડૂત દ્વારા એસીબીમાં અરજી કરાઇ હતી કે, બાબુએ તેને હથિયારનું લાઇસન્સ આપવાના બદલામાં ત્રણ લિટર મસાજ તેલ અને રૂ. પાંચ લાખની માંગણી કરી હતી. જેના અંતર્ગત એસીબી દ્વારા તપાસ ઉપરાંત નિવૃત્ત એસીએસ કક્ષાના અધિકારી દ્વારા તેમની સામે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી. કે. રાજેશ ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ તેમની રાજ્યના ગૃહ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે બદલી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ એક અઠવાડિયામાંજ એટલે કે, જૂન-૨૦૨૧માં તેમને ત્યાંથી ખસેડીને સામાન્ય વહીવટ વિભાગ માં મૂકી દેવાયા હતા.