લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, નવેમ્બર 2026 |
3069
અંડર-૧૯ એશિયા કપના અત્યંત રોમાંચક અને શ્વાસ થંભાવી દેનારા ફાઇનલ મુકાબલામાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને છેલ્લા બોલ પર પરાજય આપીને નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓમાનના અલ અમીરાત સ્થિત મિનિસ્ટ્રી ટર્ફ-૨ મેદાન પર રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૩૩૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે અંતિમ બોલ સુધી ચાલેલા સંઘર્ષ બાદ ૩૩૮ રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો.
૩૩૮ રનના પહાડી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ એક સમયે ૨૧૭ રનમાં ૬ વિકેટ ગુમાવીને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને ટીમની હાર લગભગ નિશ્ચિત જણાતી હતી. જાેકે, ત્યારબાદ મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ અદભૂત સંઘર્ષ અને ધીરજનો પરિચય આપતા બાજી સંપૂર્ણપણે પલટી નાખી હતી. બંને બેટ્સમેનોએ નવમી વિકેટ માટે ૫૭ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ભારતને મેચમાં પરત લાવ્યું હતું. મનલ ચૌહાણ આઉટ થયા બાદ પણ મોહિત ઉલ્વાએ હિંમત હાર્યા વિના અંતિમ વિકેટ માટે ૩૦ રન જાેડીને ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. ભારતને જીત માટે છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી ત્યારે મોહિત ઉલ્વાએ શાનદાર ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવી દીધું હતું.
આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે નિર્ધારિત ઓવરોમાં ૯ વિકેટના નુકસાને ૩૩૭ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. પાકિસ્તાન તરફથી ઓપનર ઉસ્માન ખાને ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૦૭ રનની શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત અબ્દુલ કાદિરે માત્ર ૫૪ બોલમાં ૩ ચોગ્ગા અને ૮ ગગનચુંબી છગ્ગા સાથે ૮૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન ફરહાન યુસુફે ૬૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૩ રનનું યોગદાન આપ્યું હતું.
એક સમયે પાકિસ્તાનનો સ્કોર ઘણો મોટો જણાતો હતો, પરંતુ ઇનિંગની અંતિમ ઓવરોમાં ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરતા પાકિસ્તાનને ૩૪૦ રનની અંદર રોકી દીધું હતું. ભારત તરફથી કાવ્ય પટેલે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે ચિગુરુપતિ વેંકટે ૩ વિકેટ અને અર્જુન રાજપૂતે ૧ સફળતા મેળવી હતી.