બેઇજિંગ-

ભારતે ઓછામાં ૫૦ હજાર સૈનિકોને ચીન સરહદ પર મોકલ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ચીન સાથે મુકાબલા માટે ભારતના આ પગલાંને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે. બ્લૂમર્ગના રિપોર્ટમાં ૪ અલગ-અલગ સૂત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ભારતે છેલ્લા ૪ મહિનામાં ચીની સરહદથી અડીને આવેલા ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં સૈન્ય ટુકડીઓ અને યુદ્ધ વિમાનોને તહેનાત કર્યા છે. આ રીતે ભારતે હવે ચીનની સરહદ પર નજર રાખવા માટે લગભગ ૨ લાખ સૈનિકો તહેનાત કરી દીધા છે જે ગત વર્ષની સરખામણીએ ૪૦ ટકા વધારે છે.

જાે કે ભારતીય સેના અને પ્રધાનમંત્રી કાર્યલયમાંથી આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભારત અને ચીનની વચ્ચે વર્ષ ૧૯૬૨માં બે યુદ્ધ થયાં, તેમ છતાં ભારતે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પાકિસ્તાનને વધારે મહત્વ આપ્યું, કેમકે કાશ્મીર ૧૯૪૭થી જ બંને દેશો વચ્ચે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જાે કે જ્યારે ગત વર્ષે ૧૫ જૂનના પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ કાયરતાપૂર્વક ભારતીય સૈનિકો પર હુમલો કર્યો, ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથેના મુદ્દાને ઠંડો રાખીને ચીની સરહદ પર ફોકસ કરવાની રણનીતિ અપનાવી રાખી છે.

ભારતે પહેલા સરહદ પર ચીની સેનાના અતિક્રમણને રોકવા માટે સૈનિક તહેનાત રાખ્યા હતા, પરંતુ હવે દળ-બળમાં ભારે વૃદ્ધિ કરીને જવાબી કાર્યવાહી કરવા અને ચીની સરહદમાં પ્રવેશ કરવાની ક્ષમતા પણ મેળવી લીધી છે. એક સૂત્રએ કહ્યું કે, ભારત હવે ચીનની વિરુદ્ધ ‘ઑફેન્સિવ ડિફેન્સ’ની રણનીતિ અપનાવવાથી ખચકાશે નહીં. આ માટે એક ઘાટીથી બીજી ઘાટી સુધી સૈનિકો અને હળવી હોવિત્ઝર તોપોને લાવવા- લઈ જવામાં હેલિકોપ્ટરોની પણ તહેનાતીની ખાતરી કરવામાં આવી છે.

જાે કે એ સ્પષ્ટ નથી કે ચીને ભારતીય સરહદ પર કેટલા સૈનિકો ગોઠવી રાખ્યા છે, પરંતુ ભારત એ વાતથી જરૂર વાકેફ છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ હાલમાં જ તિબ્બતથી સૈનિકોને શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડ લાવ્યા છે. આ કમાન્ડ ભારત સાથે વિવાદવાળા વિસ્તારોની પેટ્રોલિંગની દેખરેખ કરે છે. ચીન અત્યારે નવા વિમાનો રાખવા માટે નવા રનવે, બોમ્બ પ્રૂફ બંકર ઉપરાંત તિબેટમાં વિવાદાસ્પદ સરહદની આસપાસ નવા એરફીલ્ડ્‌સ પણ બનાવી રહ્યું છે.