લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026 |
3168
સુરત શહેરમાં માર્ગ અકસ્માતની વધુ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં મક્કાઈપુલ પાસે ચૌટા બજારના ધોરણ-૧૦ના વિદ્યાર્થીનું ટ્રક સાથે અકસ્માત નડતાં કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની પ્રજાપતિ પરિવાર હાલ સુરતના ચૌટા બજાર વિસ્તારમાં નાણાવટ મેઈન રોડ પર રહે છે. પરિવારનો ૧૬ વર્ષીય કિશન ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો. તેના પિતા નમકીનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં કિશનને એક ભાઈ અને બે બહેનો છે. ગત સવારે કિશન મોપેડ લઈને રાંદેરના તાડવાડી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન મક્કાઈપુલ નજીક મકનજી પાર્ક પાસે રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ તેનું મોપેડ અથડાયું હતું.
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. કિશનના અકાળે અવસાનથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધોરણ-૧૦માં અભ્યાસ કરતા કિશનના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માત અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.