લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026 |
2277
સમગ્ર શહેરમાં મેટ્રોરેલનાં નેટવર્ક પાથરવામાં આવી રહ્યું છે પરંતુ ગોકળગાયની ગતિએ થઇ રહેલી કામગીરી અને ઠેર ઠેર બેરિકેડિંગ ઉપરાંત રસ્તા ખોદી મૂક્યાં હોવાથી આમ પણ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ચોમાસુ માથે આવી પડ્યું છે ત્યારે શહેરીજનોનાં રોષનો ભોગ બનવું ના પડે તે માટે મહાનગર પાલિકાનાં શાસકો તેમજ મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને મેટ્રોરેલનાં અધિકારીઓ સાથે આજે તાકિદની મીટિંગ યોજી તેમને કડક શબ્દોમાં સૂચના આપી હતી.
રસ્તા ખોદાણ, ડ્રેનેજ તેમજ સ્ટ્રીટલાઇટ સંબંધિત કરોડો રૂપિયાનું લેણું મેટ્રોરેલનાં અધિકારીઓ મહાનગર પાલિકાને ચૂકવતાં નહીં હોવા બાબતે પણ શાસકો અને કમિશનરે તેમને તાકિદ કરી હતી. મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેયર માયા માવાણીએ સુરત શહેરના રોડ રસ્તાઓ તથા મેટ્રો રેલના બેરિકેડિંગના કારણે લોકોને પડતી ભારે હાલાકી મુદ્દે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓને આડે હાથ લીધા હતા. એટલું જ નહીં પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પણ મેટ્રોરેલનાં અધિકારીઓને ખખડાવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષની મળેલી મિટિંગમાં પણ શહેરના રોડ રસ્તા રીપેરીંગ
માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવ્યા નથી. એક વર્ષ બાદ પણ કામગીરી ત્યાંની ત્યાં છે. જેથી તેઓએ ટકોર કરી હતી કે સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવો. જેથી તાત્કાલિક ધોરણે શહેરના રસ્તાઓ રીપેરીંગ કરી શકાય. આ ઉપરાંત મેટ્રોની કામગીરી માટે શહેરના દરેક ઝોન વિસ્તારમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ૧૧ જેટલી જગ્યાઓ પર ડ્રેનેજ લાઈન પણ ખોદી નાખવામાં આવી છે પરંતુ તેઓ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું ન હતું. જેથી લોકોને પડતી મુશ્કેલીઓના કારણે પાલિકાએ પોતાના ખર્ચે રીપેરીંગ કરી તેમના બિલો મેટ્રોના અધિકારીઓને મોકલી આપ્યા હોવા છતાં હજુ સુધી આ બિલો પાસ થયા નથી. આ તમામ જગ્યાઓ પર ના મળી અંદાજે ૪૦ કરોડ રૂપિયા પાલિકાએ માત્ર ડ્રેનેજ લાઈન ના રીપેરીંગના લેવાના નીકળે છે એટલું જ નહીં પરંતુ લિંબાયત ઝોન વિસ્તારમાં તથા શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ મેટ્રોની કામગીરી માટે સ્ટ્રીટ લાઇટના પોલ કાઢી નાખવામાં આવ્યા છે. ત્યારબાદ પાલિકા દ્વારા તેમનો રીપેરીંગ કરી તેમના બિલો મેટ્રોના અધિકારીઓને મોકલવામાં આવ્યા છતાં હજુ સુધી આ બિલો પણ મંજૂર કરાયા નથી. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ બિલો મંજૂર કરવા માટે કડક શબ્દોમાં આદેશ કર્યો છે.
કામ પૂર્ણ થઇ ગયું હોય ત્યાં તાત્કાલિક બેરિકેડિંગ હટાવી રસ્તો ખુલ્લો કરો : રાજન પટેલ
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કડક શબ્દોમાં મેટ્રોના અધિકારીઓને જણાવ્યું હતું કે સુરત શહેરમાં જે પણ રસ્તાઓ પર કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં તાત્કાલિક ધોરણે બેરિકેટિંગ હટાવવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે. આ ઉપરાંત રાંદેર ઝોન વિસ્તારમાં પણ ત્રણ જેટલા નવા રસ્તાઓ બનાવવાના હોવા છતાં હજુ સુધી ત્યાં કામગીરી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોની હાલત વધુ કફોડી થવા પામી છે. જેમાં રાંદેર ઝોનમાં શ્રીજી નગરથી રાજહર્મની અને રાજહર્મનીથી ભેસ્તાન એસટીપી રોડને તાત્કાલિક ધોરણે નવો બનાવવા માટે આદેશ કર્યો છે અને એલ.પી સવાણીથી ૧૦૦૦ મીટર લાંબી ડ્રેનેજ લાઈનનું કામ પણ ચોમાસુ પૂર્ણ થાય એટલે તાત્કાલિક ધોરણે હાથમાં લેવા માટે આદેશ આપ્યો છે.
રસ્તા અને ડ્રેનેજની પરિસ્થિતિનો ૪૮ કલાકમાં રિપોર્ટ આપવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વધુ કડકાઈ દાખવી દરેક ઝોનના વડા અને કાર્યપાલક ઇજનેરને આદેશ કર્યો છે કે જ્યાં પણ મેટ્રો અને સીટકો કંપનીની કામગીરી ચાલુ હોય તે તમામ જગ્યાઓ પર ફરજિયાત વિઝીટ લેવામાં આવે અને કયા રસ્તા ઉપર બેરિકેડિંગ હટાવાયા છે, કયા રસ્તા પર કામ બંધ છે અને બેરીકેટિંગ હટાવવું જરૂરી છે. આ સિવાય રસ્તાઓ તથા ડ્રેનેજની શું પરિસ્થિતિ છે. આ તમામનો રિપોર્ટ બનાવી ૪૮ કલાકની અંદર મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સોંપવા માટે આદેશ કર્યો છે.