લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, સપ્ટેમ્બર 2026 |
2178
તહેવારોની ઉજવણી દરમિયાન થતા અસહ્ય ધ્વનિ અને વાયુ પ્રદૂષણ સામે લાલ આંખ કરતા બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. અદાલતે ચેતવણી આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ધાર્મિક ઉજવણીઓ એવી “અનિયંત્રિત સ્થિતિ” ((free-for-all) ) ન બની શકે જેનાથી સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને શાંતિનો ભંગ થાય.
કોર્ટે ધાર્મિક સરઘસો દરમિયાન મોટા અવાજે વાગતા ડીજે, લાઉડસ્પીકર અને આંખોને નુકસાન પહોંચાડતી લેસર બીમની જરૂરિયાત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બેન્ચે આકરા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, “શું આ બધા લાઉડસ્પીકર અને ફટાકડાનો ઉપયોગ કરવાથી આપણને ભગવાનના વધારાના આશીર્વાદ મળી જવાના છે? ઉજવણીના નામે નાગરિકોને ‘મૂંગા પીડિત’ બનાવી શકાય નહીં.” અદાલતે પાંઢરપુરની પ્રસિદ્ધ ‘વારી’ યાત્રાનું ઉદાહરણ આપતાં કહ્યું કે લાખો લોકોનો આ મેળાવડો કોઈ પણ જાતના ઘોંઘાટ વગર અત્યંત શાંતિપૂર્ણ રીતે યોજાય છે, તેથી લોકોએ સંયમ જાળવવો અનિવાર્ય છે.અદાલતે સ્પષ્ટ કર્યું કે આ તમામ માર્ગદર્શિકાઓ અને પ્રતિબંધો કોઈ એક ચોક્કસ ધર્મ માટે નથી, પરંતુ તમામ તહેવારોને એકસમાન રીતે લાગુ પડશે. “કાયદાના શાસનનું પાલન થવું જ જાેઈએ અને કોઈના પણ જીવન કે સ્વાસ્થ્યના ભોગે ઉજવણી થઈ શકે નહીં,” તેવું કડક વલણ અપનાવીને હાઈકોર્ટે કાગળ પર રહેલા પોલીસ આદેશોનો જમીની સ્તરે કડક અમલ કરવા નિર્દેશ આપ્યા છે.