લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026 |
1683
ખેડા જિલ્લાના હરિયાળા ગામે સીઆઈડીની ટીમે રેડ કરીને ગેસ રીફલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગેસના બાટલામાં કોઈપણ પ્રકારના સેફટી સાધનો વગર જાેખમી રીતે મોટર અને પાઇપની મદદથી એક બોટલમાંથી અન્ય બોટલમાં ગેસ ભરી ગેરકાયદેસર રીફિલિંગ કરી કાળાબજારી કરવામાં આવતી હતી. પોલીસે બે આરોપીને ઝડપીને ૮૪ નાના-મોટા ગેસના બાટલા, ટેમ્પો, મોટર અને વજનકાંટો સહિત કુલ રૂ. ૬.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હરિયાલા ગામના ઝલેબીયા પુરા ખાતે રહેતા છેલા રાણા ભરવાડ પોતાના મકાનમાં અને તેની આસપાસ ગેરકાયદેસર રીફિલિંગનું કૌભાંડ કરે છે તેવી બાતમી સીઆઈડીને મળી હતી. તેના આધારે દરોડો પાડીને વિષ્ણુ પરાગ પરમાર અને છેલાને પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા છેલા આર.કે. ગેસ એજન્સીમાં કોન્ટ્રાકટરનું કામ કરે છે. જ્યારે વિષ્ણુ ડિલિવરીમેન તરીકે કામ કરતો હતો. તેઓ ભારત ગેસની સરકારી બોટલોમાંથી ગેસ પાઇપ અને મોટરની મદદથી અન્ય ખાલી નાના-મોટા બાટલામાં ગેસ ભરી, વજન કરી તેના પર કંપનીના પ્લાસ્ટિકના સીલ મારીને છૂટકમાં ઓછા ભાવે વેચાણ કરતા હતા. પોલીસે કુલ ૮૪ ભરેલા અને ખાલી બાટલા, ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.