લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
2079
સુરત શહેરના ભટાર રોડના ઇન્દ્રજીત એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ હરજી ગામી ભારતીય ગૌ રક્ષા મંચમાં પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ઘોડદોડ રોડ ઉપર ર્ટનિંગ પોઇન્ટ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવે છે. ગામી પહેલી ઓક્ટોબરે મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતાં. આ દરમિયાન તેમના સીમરનએપી૧૪૩ યુઝરનેર ધરાવતા એકાઉન્ટ પર એક વીડિયો જોવા મળ્યો હતો.
આ વીડિયોમાં સીમરન અમિત પટેલ એવું નામ હતું, જ્યારે વીડિયોમાં એક મહિલા ભારતીય ચલણની ૫૦૦ રૂપિયાની નોટ લઇ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર બતાવી તેમના જન્મ દિવસ અંગે વાત કરતી સંભાળાય હતી. ત્યારબાદ આ મહિલાએ ચલણી નોટને સ્તન પાસે મૂકી અને પછી ગાંધીજીને ઉદ્દેશીને જાતીય સંદર્ભ ધરાવતા વાંધાજનક તથા અપમાનજનક શબ્દો બોલ્યા હતાં. કામુક હાવભાવ સાથે કરાયેલી અભદ્ર ટીપ્પણીનો આ વીડિયો જોઇ ધર્મેશ ગામીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન જેટલા ફોલોઅર્સ ધરાવતી સીમરને આ માત્રને માત્ર પબ્લિસીટી માટે રાષ્ટ્રપિતા ગાંધીજીની તસ્વીર વાળી ચલણી નોટ હાથમાં રાખી અભદ્ર ટીપ્પણીઓ કરી હોય પોલીસે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૦૮ ની કલમ- ૬૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.