લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુલાઈ 2026 |
2574
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે માત્ર સરહદો કે લશ્કરી મથકો સુધી મર્યાદિત ન રહેતા ડિજિટલ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ બહેરીનમાં સ્થિત વૈશ્વિક ટેક જાયન્ટ એમેઝોનના મુખ્ય ડેટા સેન્ટર પર ક્રુઝ મિસાઇલોથી સફળ હુમલો કરવાનો સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકાએ તેના ડાર્કોવ ક્ષેત્રમાં આવેલા પરમાણુ પ્લાન્ટ સંબંધિત સુવિધાઓ પર હુમલો કર્યો હતો, જેના બદલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ દાવાથી વૈશ્વિક ટેક જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે એમેઝોન વેબ સર્વિસિસ પર વિશ્વભરની હજારો કંપનીઓની ઓનલાઈન સેવાઓ ર્નિભર છે.
આઈઆરજીસીની એરોસ્પેસ ફોર્સના જણાવ્યા અનુસાર, બહેરીનના મુહરક અને રિફાહ વિસ્તારોમાં તૈનાત યુએસ એર ડિફેન્સ સિસ્ટમ્સ અને રડારને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં બહેરીન એ એમેઝોનનું મુખ્ય હબ ગણાય છે, જ્યાંથી સમગ્ર પ્રદેશ માટે ક્લાઉડ અને ડેટા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટેક નિષ્ણાતોના મતે, આવા સંવેદનશીલ ડેટા સેન્ટરો પર મિસાઇલ હુમલા થવાથી માત્ર ભૌતિક નુકસાન જ નથી થતું, પરંતુ વૈશ્વિક સ્તરે એપ્લિકેશન્સ, વેબસાઇટ્સ અને ઓનલાઇન સેવાઓમાં મોટો વિક્ષેપ પડી શકે છે. જાેકે, આ હુમલાથી ઓનલાઈન સેવાઓ પર કેટલી અસર પડી છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
બીજી તરફ, આ દાવાની હજુ સુધી કોઈ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. બહેરીન સરકાર, અમેરિકી સંરક્ષણ મંત્રાલય કે એમેઝોન કંપની દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.