લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
2772
ભાડે લીધેલી કારને થયેલું નુકસાન ભરપાઈ કરી દેવા છતાં વધુ પૈસાની માગણી કરી ધાક ધમકી સાથે મારઝૂડ કરાતાં ૧૦માં ધોરણનાં વિદ્યાર્થીએ અનાજમાં નાંખવાની દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન કિશોરનું મોત થતાં શારીરિક માનસિક ત્રાસ આપનાર સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
સરથાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નાના વરાછા સીવીલાઇઝ સર્કલ પાસે અમીધારા સોસાયટીમાં લાલજી ઘેલાભાઇ ઢોલરીયા તેમના પરિવાર સાથે રહે છે. અમરેલીનાં બગસરા તાલુકાના વતની લાલજીભાઇ તથા તેમનો મોટો દીકરો ધ્રુવીલ ગોલ્ડી સોલાર કંપનીમાં નોકરી કરે છે. જ્યારે સૌથી નાનો વીર વરાછા સરદાર સ્કુલમાં ૧૦માં ધોરણમાં અભ્યાસ કરે છે.
ગત ૧૭મી તારીખે રાત્રે દસેક વાગ્યે બહારથી ઘરે આવેલી વીરની તબિયત અચાનક લથડી હતી. તેને વોમિટિંગ થવા માંડી હતી. વીરની ઉલટીમાંથી તેણે કોઇ ઝેરી પ્રવાહી પીધું હોય એવી વાસ આવતાં માતા સરોજબેન તથા ધ્રુવીલ તેને સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતાં. પત્ની સરોજનો કોલ આવતા લાલજીભાઇ પણ નોકરીએથી સ્મીમેર પહોંચ્યા હતાં. લાલજી ઢોલરીયાએ તેમના ભાઈ શૈલેષ સાથે વોર્ડમાં જઇ નાના દીકરા વીર સાથે વાત કરી હતી.
વીરે જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલા મેં ભાવેશ સાંગડીયાને વચ્ચે રાખીને મોટા વરાછા, લજામણી ચોક ખાતેથી સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી ભાડે લીધી હતી. ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માત થતા ફોરવ્હીલ ગાડીને નુકસાન થયું હતું. જેથી ભાવેશ સાંગડીયાએ ફોરવ્હીલ ગાડીના નુકસાનના રૂપિયા માંગ્યા હતાં. મે તથા ધ્રુવીલે કટકે કટકે રૂપિયા ચૂકવી દીધા હતાં. ત્યારબાદ પણ ભાવેશ વધુ રૂપિયા માંગી મારી સાથે ઢોલ-ઢપાટ કરતો હતો.
૧૭મી તારીખે સાંજે પણ ભાવેશે વીરને બોલાવી રૂપિયા માગી બીભત્સ ગાળો આપી હતી. ભાવેશે ઢોલ-ઢપાટ કરીને મને જાનથી મારી નાખવાની ધમકી આપતા અમે ગભરાઇ ગયા હતાં. જેથી અમે બંનેએ અનાજમાં નાખવાની દવા લઇ ઘરની પાસે આવીને ખાઇ લીધી હતી. ઘરે પહોંચતા જ મને ઉલટી થવા માંડી હતી. ત્યારબાદ તેને સારવાર માટે સ્મીમેર ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ૧૮મી તારીખે વીરનું અવસાન થયું હતું. જેથી લાલજીભાઇએ ગાડીની નુકશાનીના ખોટી રીતે પૈસા માગી, મારઝૂડ કરી ધમકી આપી વીરને આપઘાત કરવો પડે એવી નાજુક સ્થિતિમાં મૂકી દેનાર ભાવેશ સાંગડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.