લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
1881
સુરતનાં કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની વધતી બોલબાલા અને તેના વધતા ઉત્પાદન-વોલ્યુમને કારણે ભલે નેચરલ ડાયમંડનું બજાર પાછળ ધકેલાઇ રહ્યું હોવાની છાપ ઊભી થઇ રહી હોય, પરંતુ આયાત-નિકાસનાં મૂલ્યનાં તાજા આંકડા હીરા ઉદ્યોગનું અલગ જ ચિત્ર રજૂ કરે છે. લેબગ્રોન ડાયમંડનું વોલ્યુમ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ વેલ્યુના મામલે નેચરલ ડાયમંડ હજુ પણ જોજનો આગળ છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં રફ લેબગ્રોન ડાયમંડની આયાત રૂ.૯,૦૭૧.૬૮ કરોડ રહી હતી. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૦ સપ્ટેમ્બર સુધીમાં જ રફ લેબગ્રોનની આયાત રૂ.૫,૯૦૧.૯૫ કરોડ સુધી પહોંચી છે. તેની સામે નેચરલ રફ ડાયમંડની આયાત ૨૦૨૫-૨૬માં રૂ.૯૨,૨૧૭.૩૧ કરોડ હતી, જ્યારે ચાલુ વર્ષે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં રૂ.૩૭,૫૮૪.૬૮ કરોડની આયાત નોંધાઇ છે.
અર્થાત્, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાડા પાંચ મહિનામાં નેચરલ રફ ડાયમંડની આયાતનું મૂલ્ય લેબગ્રોન રફની આયાત કરતાં આશરે ૬.૪ ગણું છે. આ તફાવત દર્શાવે છે કે લેબગ્રોનનો ઉત્પાદન અને વેપાર-વોલ્યુમ વધતો હોવા છતાં મૂલ્યનાં મામલે નેચરલ ડાયમંડનું બજાર હજુ પણ ઘણું મોટું છે.
સુરતનાં હીરા વેપારીઓનાં મતે નેચરલ ડાયમંડમાં વેલ્યુ ઉપરાંત યોગ્ય કેટેગરીનાં માલમાં નફાકીય માજિર્નની સંભાવના પણ લેબગ્રોન કરતાં વધુ છે. લેબગ્રોનમાં ઉત્પાદન ક્ષમતા અને સપ્લાય ઝડપથી વધતાં ભાવ પર દબાણ રહે છે, જ્યારે નેચરલ ડાયમંડમાં દુર્લભતા અને કુદરતી ઉત્પાદન મર્યાદાને કારણે ચોક્કસ સાઇઝ, કલર અને ક્વોલિટીનાં માલની વેલ્યુ જાળવવાની ક્ષમતા વધુ છે. લેબગ્રોન ડાયમંડને કારણે સુરતનાં હીરા ઉદ્યોગમાં નવા વ્યવસાયિક મોડલ વિકસ્યા છે, પરંતુ આનો અર્થ એવો નથી કે ઉદ્યોગપતિઓએ નેચરલ ડાયમંડથી મોઢું ફેરવી લીધું છે. આયાત-નિકાસનાં આંકડા દર્શાવે છે કે મોટા મૂલ્યના કારોબારનો આધાર હજુ પણ નેચરલ ડાયમંડ પર જ છે.
સુરતના કટ એન્ડ પોલિશ્ડ હીરા ઉદ્યોગ માટે તેથી હાલની સ્થિતિને ‘નેચરલ વિરુદ્ધ લેબગ્રોન’ કરતાં ‘વોલ્યુમમાં લેબગ્રોન અને વેલ્યુમાં નેચરલ’ તરીકે જોવી વધુ યોગ્ય બની રહી છે. લેબગ્રોનનો બજાર હિસ્સો અને ઉત્પાદન વધતું રહેશે, પરંતુ કરોડો રૂપિયાના ઉચ્ચ મૂલ્યના હીરા કારોબારમાં નેચરલ ડાયમંડનું પ્રભુત્વ હજુ લાંબા સમય સુધી જળવાઇ રહે તેવી સ્થિતિ આંકડાઓમાંથી સ્પષ્ટ થાય છે.