આંગડિયા પેઢીના કર્મચારીની ખાસ બંડી કાપી ૧૫ લાખના હીરાની સરેઆમ ચોરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   2772

અમદાવાદના ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ પર ગુજરાત મેઈલ ટ્રેનમાં ચઢતી વેળાએ ભીડનો ગેરલાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરે રૂ. ૧૫ લાખની કિંમતના હીરા ભરેલા પાર્સલની તસ્કરી કરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ચકચારી ઘટના અંગે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર વિરુદ્ધ વિધિવત ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના વતની અને હાલ અમદાવાદના રાયપુર વિસ્તારમાં નિવાસ કરતા ૫૩ વર્ષીય મંછારામ પ્રજાપતિ છેલ્લા ૧૦ વર્ષથી ‘પટેલ જયંતિભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી’માં નોકરી કરે છે. ગત ૨૯ સપ્ટેમ્બરે તેઓ પોતાના ભાગીદાર મદનસિંગ રાઠોડ સાથે આંગડિયા પેઢીનો કિંમતી સામાન મુંબઈ સુધી સુરક્ષિત પહોંચાડવા નીકળ્યા હતા.

મંછારામ પ્રજાપતિએ ખાસ ડિઝાઈન કરેલી અંદરની બંડીમાં પાલનપુરથી આવેલું ૧૦૦.૬૫ કેરેટ ધરાવતું ૧૧,૯૦૧ નંગ પોલિશ કરેલા હીરાનું કિંમતી પાર્સલ મૂક્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૧૫ લાખ થાય છે.અમદાવાદ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ૭ પર આવેલી ગુજરાત મેઈલ ટ્રેનમાં તેઓ એક થેલો મૂકીને બીજાે થેલો લેવા માટે દરવાજા પાસે ગયા હતા. આ દરમિયાન ધક્કામુક્કી અને ભારે ભીડનો લાભ લઈને તસ્કરે ધારદાર વસ્તુ વડે મંછારામના પેન્ટ તથા અંદર પહેરેલી ખાસ બંડી કાપી નાખી હતી.

 તસ્કર બંડીના ખિસ્સામાંથી મુંબઈ મોકલવાનું ૧૫ લાખનું હીરાનું પાર્સલ સેરવી લઈને ક્ષણવારમાં રફુચક્કર થઈ ગયો હતો.ચોરીની જાણ થતાં જ કર્મચારીઓએ તુરંત આંગડિયા પેઢીના માલિકોને જાણ કરી હતી. જાેકે, તેમની પાસે અન્ય ગ્રાહકોનો પણ કિંમતી માલસામાન હોવાથી, તેમણે પ્રથમ મુંબઈ સુધીનો સામાન સુરક્ષિત પહોંચાડ્યો હતો. ત્યારબાદ પરત આવીને તેમણે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution