લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
3960
વ્યાપારિક શહેર સુરતમાં યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જિસ વસૂલવાનાં સરકારનાં ર્નિણયને પગલે સુરતનાં ટેક્સ્ટાઇલ સહિતના વેપારી વર્ગમાં નારાજગી જાેવા મળી રહી છે. ખાસ કરીને ટેક્સ્ટાઇલ માર્કેટ સહિતનાં રીટેઇલ વેપારીઓમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે રૂ.૨ હજારથી વધુના યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર ચાર્જ લાગુ થતાં વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે અને તેના કારણે કેશ ફરી કિંગ બનશે, રોકડ વ્યવહારોમાં ફરી વધારો થવાની શક્યતા છે.
વેપારીઓનાં જણાવ્યા મુજબ નોટબંધી પછી યુપીઆઇ થકી કેશલેસ વ્યવહારો ખૂબ વધી ગયા છે. વેપારીઓ પેમેન્ટ લેવા માટે તથા પેમેન્ટ કરવા માટે યુપીઆઇનો જ ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં રૂ.૨૦૦૦થી વધુનાં વ્યવહારો પર ચાર્જ લગાડવાના કારણે રોકડમાં વ્યવહારોને વધુ પ્રોત્સાહન મળશે. કેટલાક લોકો દલીલ કરી રહ્યાં છે કે ચાર્જ નજીવો છે, જેની સામે વેપારીઓનું કહેવું છે કે નાની રકમનાં ચાર્જ તો શરૂઆત છે ભવિષ્યમાં તેમાં વધારો નહીં થાય તેની શું ગેરેન્ટી. વળી, આ ચાર્જનો બોજ ગ્રાહકો પર નહીં પરંતુ વેપારીઓએ ભોગવવાનો રહેશે. પરિણામે જે વેપારીઓ હાલમાં મોટા પ્રમાણમાં ડિજિટલ અને યુપીઆઈ વ્યવહારો સ્વીકારી રહ્યા છે, તેમના માટે દરેક મોટા વ્યવહાર સાથે ખર્ચ વધશે. ખાસ કરીને રિટેલ ક્ષેત્રમાં આ બાબત વેપારીઓ માટે ચિંતાનો વિષય બની છે.
વેપારી વર્ગમાં એવી દલીલ પણ થઈ રહી છે કે કેશને ફરીથી ‘કિંગ’બનવા દેવું ન હોય તો સરકાર દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની નીતિ જાળવી રાખવી જરૂરી છે. વેપારીઓના મતે, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાને બદલે તેના પર વધારાનો ખર્ચ લાદવામાં આવશે તો લોકો અને વેપારીઓ ફરી રોકડ વ્યવહાર તરફ વળે તેવી સંભાવના ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં કાળા નાણાંના ચલણને લગતી સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે તેવી પણ વેપારીઓ દ્વારા દલીલ કરવામાં આવી રહી છે.
બેંકોનાં ‘કાસા’ બેલેન્સ પર મોટો ફરક દેખાવા માંડશે
શહેરની કેટલીક સહકારી બેંકોનાં ડિરેક્ટરોની આજે મળેલી અનઔપચારિક મીટિંગમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. તેમનું કહેવું હતું કે વેપારીઓથી લઇને પગારદારો સુધીનાં લોકો કે જેઓ મોટા ભાગના વ્યવહારો માટે ઓનલાઇન પેમેન્ટ, યુપીઆઇનો ઉપયોગ કરી રહ્યા હતા તેઓ ફરીથી રોકડીયા વ્યવહારો તરફ વળશે અને તેને કારણે બેંકનાં કાસા (કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ)માં પડી રહેતી બેલેન્સ પર પડશે. વેપારીઓ મોટા ભાગે રોકડનો આગ્રહ રાખશે અને તેને કારણે સામાન્ય ખરીદારો, લોકોએ રોકડમાં ચૂકવણી કરવા માટે રોકડની જરૂર પડશે, જેને લઇને પગારદારો કે જેમને બેંકમાં સેલેરી મળે છે તેઓ પણ હવે દર મહિનાની જરૂરિયાત અનુસાર બેંકોમાંથી રોકડ ઉપાડતાં થઇ જશે.