લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1782
નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને ક્લિનિક ધરાવતા એક વરિષ્ઠ ડૉક્ટર ઓનલાઇન ઠગાઈનો ભોગ બન્યા છે. ઈસનપુર-વટવા રોડ પર આવેલ પ્રેરણા ટેનામેન્ટમાં રહેતા અને ઈસનપુર ગામ બસ સ્ટેન્ડ પાસે નૂતન નાગરિક બેંક નજીક ક્લિનિક ચલાવતા ૬૭ વર્ષીય ડૉ. પ્રકાશભાઈ ઈશ્વરલાલ દર્જી પોતાના ઘરે હાજર હતા. તે સમયે સવારના સમયે તેમના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર થી વૉટ્સએપ કોલ આવ્યો હતો. સાયબર ઠગે પોતાને અદાણી ગૅસ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ધમકી આપી હતી કે તેમનું ગૅસનું બિલ બાકી છે અને જાે તુરંત ભરવામાં નહીં આવે તો ગૅસ કનેક્શન કટ કરવાની પ્રોસેસ શરૂ કરીને ત્રણ મહિના સુધી કનેક્શન બંધ કરી દેવામાં આવશે.ત્યારબાદ ઠગે ડૉક્ટરના વૉટ્સએપ પર અદાણી ગૅસના લોગોવાળી એક શંકાસ્પદ એપીકે ફાઈલ મોકલી આપી હતી. ડૉક્ટરે પોતાનું કોઈ બિલ બાકી છે કે નહીં તે ચકાસવા માટે આ ફાઈલ ડાઉનલોડ કરીને ઓપન કરી હતી. જેમાં માત્ર રૂ. ૧૩ નું ગૅસ બિલ બાકી દર્શાવાયું હતું. આ નાની રકમ ચૂકવવા માટે તેમણે મોબાઈલ એપ્લિકેશનમાં પોતાના ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી હતી. કાર્ડની ગુપ્ત માહિતી આપતા જ તેમનો મોબાઈલ સ્માર્ટફોન અચાનક દોઢ કલાક સુધી સંપૂર્ણ હેંગ થઈ ગયો હતો અને વૉટ્સએપ કોલ પણ કટ થઈ ગયો હતો.ફોન નોર્મલ થતાં જ ડૉક્ટરને શંકા ગઈ હતી. જેથી તેમણે તાત્કાલિક એટીએમ પર જઈને બેંક ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતા બેંક ઓફ બરોડાની ઘોડાસર શાખાના ખાતામાંથી અલગ-અલગ તબક્કામાં કુલ રૂ. ૪,૫૧,૬૧૦ ઓનલાઇન ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી.