/
બહેનોએ સૂચવેલી દવા સુશાંતના મોતનુ કારણ હોઇ શકે : મુંબઇ પોલીસ

મુંબઇ 

સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેનો સામે રિયા ચક્રવર્તીએ નોંધાવેલી FIRનો થોડા દિવસ પહેલા CBIએ બોમ્બે હાઈકોર્ટમાં વિરોધ કર્યો હતો. જે બાદ સોમવારે મુંબઈ પોલીસે હાઈકોર્ટને જણાવ્યું કે, આ FIRથી 'ગુનો ખુલ્લો પડ્યો' છે. ઉલ્લેખનીય છે કે, CBIએ આ FIRને કાયદાકીય રીતે ખોટી ગણાવી હતી.

બોમ્બે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટમાં મુંબઈ પોલીસે કહ્યું, FIR નોંધવી તેમની ફરજ હતી અને તેમનો ઈરાદો સ્વ. સુશાંત સિંહ રાજપૂત કે તેની બહેનોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો નહોતો. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રા સ્થિત ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતની બહેનો મીતૂ સિંહ અને પ્રિયંકા સિંહે પોતાની સામેનો કેસ રદ્દ કરાવવા કરેલી અરજીને ફગાવવાની માગ સાથે મુંબઈ પોલીસે એફિડેવિટ આપી હતી. 

એફિડેવિટમાં પોલીસે કહ્યું, "FIR પ્રાથમિક માહિતી આપનાર (રિયા ચક્રવર્તી)ની માહિતીના આધારે નોંધવામાં આવી છે, જે ગુનાને ઉઘાડો પાડી શકે છે. સુશાંત સિંહ રાજપૂતને એંગ્ઝાયટિની દવાઓનું નકલી પ્રિસ્ક્રિપ્શન દિલ્હીના એક ડૉક્ટરની મદદથી મોકલવામાં આવ્યું હતું. આ પ્રિસ્ક્રિપ્શન અરજીકર્તાઓ (સુશાંતની બહેનો) દ્વારા મોકલવામાં આવ્યું હતું. જેના થકી સુશાંત સિંહ રાજપૂતની પ્રત્યક્ષ તપાસ કર્યા વિના ડૉક્ટરે તેને સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ આપ્યા હોય તેવું બની શકે. સુશાંત આત્મહત્યામાં કદાચ આનો ફાળો પણ હોઈ શકે છે. માહિતી આપનારની આ વાત દ્વારા કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થાય છે અને તેની તપાસ જરૂરી છે. માટે મુંબઈ પોલીસ FIR નોંધવા માટે કર્તવ્યબદ્ધ હતી." 

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે વિવિધ તપાસ એજન્સીઓનો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તીએ ગત અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટને અપીલ કરી હતી કે સુશાંત સિંહ રાજપૂતની બે બહેનો સામે નોંધાવેલો કેસ રદ્દ ન કરવામાં આવે. એક્ટરના મોતના 6 દિવસ પહેલા એટલે કે 8 જૂનના રોજ સુશાંત અને તેની બહેન વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના આધારે રિયા ચક્રવર્તીએ ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં રિયાએ કહ્યું છે, ચેટ દર્શાવે છે કે, પ્રિયંકા સિંહે તેના ભાઈ સુશાંતને ત્રણ દવાઓ Librium, Mexito અને Lonazap લેવાની કહી હતી. જે ડિપ્રેશન અને એંગ્ઝાયટિ માટે લેવામાં આવે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ચેટ દર્શાવે છે કે, સુશાંતના પરિવારને તેની માનસિક સ્થિતિ વિશે જાણ હતી. જો કે, રાજપૂત પરિવારે અગાઉ દાવો કર્યો હતો કે, સુશાંતની બીમારી અંગે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. 

CBIએ કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની બહેનો સામે લગાવેલા આરોપો 'સંભાવના અને અનુમાન'ને આધારે છે. જે હાલ ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરી શકે છે. જો કે, મુંબઈ પોલીસે સોમવારે કોર્ટમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેઓ CBIની તપાસ પર પ્રભાવ પાડવાની કે તેને ખોટી દિશામાં દોરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. 

ઉલ્લેખનીય છે કે, પોપ્યુલર એક્ટર સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એક્ટરના પરિવારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે તેને માનસિક ત્રાસ આપવાનો, તેના રૂપિયા પર લહેર કરવાનો આરોપ મૂક્યો હતો. સાથે જ સુશાંતના મોત માટે રિયા ચક્રવર્તી જવાબદાર હોવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના 6 દિવસ પહેલા એટલે કે 8 જૂને જ રિયા ચક્રવર્તી તેનું ઘર છોડીને પોતાના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution