લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
4851
તિરુપતિ લાડુ પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીની ગુણવત્તાને લઈને પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. આ મામલે એજન્સી દ્વારા ગેરરીતિ અને મોટા પાયે સપ્લાયના આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવર્તન નિદેશાલય (ઈડ્ઢ)ના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને કથિત રીતે ભેળસેળયુક્ત ઘીની સપ્લાય કરવામાં આવી હતી. એજન્સીનો આરોપ છે કે અસલી દૂધની મલાઈમાંથી બનેલા ઘીના બદલે તેમાં રિફાઇન્ડ પામ ઓઇલ, પામ કર્નલ ઓઇલ અને પામોલિન જેવા વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિશ્રણને અસલી ઘી જેવો દેખાડવા માટે તેમાં એમજી-૯૦, મોનોગ્લિસરાઇડ્સ, માયવેસિટ સોફ્ટ ૪૦૦ અને એસિટિક એસિડ એસ્ટર જેવા વિવિધ રસાયણો (કેમિકલ્સ) પણ ભેળવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન કુલ આશરે ૨૩૦ કરોડ રૂપિયાની કથિત શંકાસ્પદ ઘીની સપ્લાય કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં સુકૃતિ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રોમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેમની કંપની દ્વારા આ સમયગાળામાં અંદાજે ૯૬ કરોડ રૂપિયાનું કથિત ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.