રાજ્યના બજેટમાં શિક્ષણ પર વધુ ભાર મુકાયો
25, ફેબ્રુઆરી 2023 297   |  

ગાંધીનગર, આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૩-૨૪નું કુલ બજેટ ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું છે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર છે. રાજ્યના બજેટમાં સરકારે નાગરીકોને રાહત આપતા બજેટમાં કરવેરાના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૫૧૮૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં સ્વાસ્થ્ય સુવિધાને લગતી રાજ્યના નાણાં પ્રધાનની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના કાર્ડ ધારકોની સારવાર ખર્ચમાં વધારો કર્યો છે. આ યોજનામાં કુટુંબ દીઠ વિમાની રકમ વાર્ષિક મર્યાદા રૂપિયા ૫ લાખ નક્કી કરી હતી. રાજ્ય સરકાર આ વખતે બજેટમાં પરિવારની વાર્ષિક મર્યાદામાં કર્યો વધારો છે. સ્વાસ્થ્યની વીમાની મર્યાદા ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરાઈ છે. રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્શેન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂપિયા ૫૫૮૦ કરોડની જાેગવાઇ કરાઈ

સામાજિક ઉત્કર્ષ

રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શનન આપવા રૂ. ૧૩૪૦ કરોડની જાેગવાઇ.

રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શલન અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શરન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શ ન આપવા માટે ૫૮ કરોડની જાેગવાઇ.

મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે ૫૦ હજાર લાભાર્થીઓ માટે ૬૦ કરોડની જાેગવાઇ.

દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા રૂ. ૫૨ કરોડની જાેગવાઈ.

પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે ૭૩ કરોડની જાેગવાઇ

પાલક અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે ૨ લાખની સહાય આપવા માટે ૨૦ કરોડની જાેગવાઇ.

સંકટમોચન યોજના અંતર્ગત પીડિત કુટુંબને સહાય માટે ૨૦ કરોડની જાેગવાઇ.

ડૉ.સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્નક સહાય યોજના માટે ૨૦ કરોડની જાેગવાઇ.

અનુ. જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે ૫૪ કરોડની જાેગવાઇ.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૭ કરોડની જાેગવાઇ.

સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ ૧૦ કરોડની જાેગવાઇ.

શૈક્ષણિક ઉત્કર્ષ

પી.એમ. યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિકસતી જાતિના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ૫૬૨ કરોડની જાેગવાઇ.

અનુ. જાતિ અને વિકસતી જાતિના ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ૩૭૬ કરોડની જાેગવાઇ.

અનુ. જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ૩૩૪ કરોડની જાેગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટજ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૧૦ હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે ૩૨૪ કરોડની જાેગવાઈ.

અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે ૬૦૦ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે ૮૪ કરોડની જાેગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે ૨૧ કરોડની જાેગવાઇ.

ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે

૨ લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ૭૫ કરોડની જાેગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા ૨ કરોડની જાેગવાઇ.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે

૧ કરોડની જાેગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા ૧ કરોડની જાેગવાઇ.

આર્થિક ઉત્કર્ષ 

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે ૫૦૦ કરોડની જાેગવાઇ.

અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે ૯ જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના મારફત લાભાર્થીઓને લોન આપવા માટે ૧૬૬ કરોડની જાેગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા ૫૬ કરોડની જાેગવાઈ.

અન્ય 

આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે ૨૨૨ કરોડની જાેગવાઇ.

છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે ૫ કરોડની જાેગવાઈ.

વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે ૮ કરોડની જાેગવાઇ.

નાણાંમંત્રી કનુ દેસાઈએ બીજા વર્ષે પણ પુરાંતવાળું બજેટ આપી ઇતિહાસ બનાવ્યો

ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં ૧૫ વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરાય છે. ત્યારે નાણાંમત્રી તરીકે કનુ દેસાઈએ ગત વર્ષે વર્ષ ૨૦૨૨-૨૩નું રૂપિયા ૬૬૮.૦૯ કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે રજૂ કરાયેલા બજેટમાં એકપણ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધા વગર તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા રૂપિયા ૯૧૬.૮૭ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યો છે. કનુ દેસાઈએ પણ સતત બીજા વર્ષે પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ બનાવ્યો છે.

પીપીપી ધોરણે મેડિકલ કોલેજ માટે રૂ. ૧૩૦ કરોડની જાેગવાઈ

રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા ૧૩૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિલટલ અને અન્ય મેડિકલ કોલેજમાં આધુનિક સાધનો માટે ૧૫૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાણામંત્રી કનુ દેસાઈએ આજે અરવલ્લી, છોટા ઉદેપુર, મહિસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે ફક્ત રૂ. ૫૬૮ કરોડની ફાળવણી

ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને અન્ય મહત્વના વિભાગોની તુલનામાં સૌથી ઓછી રકમની એટલે કે ફક્ત રૂ. ૫૬૮ કરોડની ફાળવણી કરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિક યોજવાનું આયોજન કરાયું છે. જેને લઈને ગુજરાતમાં પણ રમત-ગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા માટે ગુજરાત સરકાર આયોજન કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા બજેટમાં રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે ફક્ત રૂપિયા ૫૬૮ કરોડની રકમની જાેગવાઈ કરાઈ છે. આ જાેગવાઈ અન્ય મહત્વના વિભાગોની સરખામણીમાં સૌથી ઓછી રકમની ફાળવણી કરાઈ છે.

સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે રૂપિયા ૯૦૫ કરોડની ફાળવણી

સુરતમાં મેટ્રો રેલને બે ફેઝની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરત મેટ્રો રેલ માટે બજેટમાં રૂપિયા ૯૦૫ કરોડની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂ. ૧૮ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ ની મેટ્રો સેવા કાર્યરત કરાયેલી છે. જ્યારે ફેઝ-૨ની કામગીરી પ્રગતિમાં છે. અંદાજે રૂપિયા ૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-૧ અને ફેઝ-૨ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે રૂપિયા ૯૦૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી માટે રૂપિયા ૭૬ કરોડની જાેગવાઈ

ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર કાર્યરત એવું આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓનું કેન્દ્ર છે. ત્યારે તેના વિકાસ માટે બજેટમાં રૂપિયા ૭૬ કરોડની રકમની જાેગવાઈ કરાઈ છે. ભારતની અને વિદેશની નામાંકિત બેંકો, ઇન્શ્યુરન્સ અને રિઇન્શ્યુરન્સ કંપનીઓ, બે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જાે અને તેની સાથે મૂડી બજાર સાથે જાેડાયેલ ઇન્ટરમીડિઅરીઝ ગિફ્ટ સિટી ખાતેથી કાર્યરત છે. તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે નવી બિઝનેસ ગતિવિધિઓ જેવી કે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી કાર્યો તથા અન્યને મંજૂરી અપાયેલી છે. ગિફ્ટ સિટી માં કાર્યરત એક્સચેન્જાેમાં ૫૦ બિલિયન યુ.એસ.ડોલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટિંગ થયેલું છે. ગિફ્ટ સિટી ખાતે કાર્યરત ભારતીય કોર્પોરેટ્‌સને વિદેશી મૂડી બજારમાંથી મૂડી અને ઋણ (ડેટ) મેળવવાની મોટી તક પૂરી પાડે છે. ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થાપવામાં આવશે.

રાજયમાં પ્રવાસનના વિકાસ માટે પાંચ વર્ષમાં ૮૦૦૦ કરોડ ખર્ચ કરાશે

રાજયમાં પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૮૦૦૦ કરોડનો ખર્ચ કરાશે તેમ આજે વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ હતું. વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં ૩.૦૧ લાખ કરોડનું પાંચ સ્તંભના આધારે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ચોથા સ્તંભમાં પ્રવાસનને મહત્વ અપાયું હતું. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વાર્ષિક પ્રવાસીઓ એક કરોડને પાર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, પ્રવાસન ક્ષેત્રે રોજગારીનું તકોનું સર્જન થયું હોવાનું નાણામંત્રીએ જણાવ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા-સફેદ રણ (ધોરડો), અંબાજી-ધરોઈ ક્ષેત્ર, ગીર અભયારણ્ય-સોમનાથ અને દ્વારકા-શિવરાજપુર બીચ એમ મળીને કુલ પાંચ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં ૮૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેમ પણ નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ હતું.

કરવેરા વિનાનું અને આગામી પાંચ વર્ષના રોડમેપ અનુરૂપ બજેટ  પાટિલ

આર્ત્મનિભર ભારતની નેમ અને વિકસીત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારુ અને આગામી પાંચ વર્ષના રોડ મેપને તૈયાર કરનારૂ બજેટ છે તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યુ હતું. આ સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુ દેસાઇ સહિતનાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટિલે જણાવ્યુ હતું કે, ગત વર્ષ કરતા વધુ રકમનું બજેટ રજૂ કરાયું છે જેમાં નવા કોઇ કરવેરો નહી તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરાયો નથી. જેથી દરેક વર્ગની અપેક્ષાઓને સાકાર કરનારુ બજેટ છે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું આ બજેટ આગામી પાંચ વર્ષના રોડ મેપને ધ્યાને રાખી રજૂ કરાયું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે. બજેટમાં યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયુ છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ

મદદરૂપ નીવડશે.

રાજ્યના બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા ચૂંટણી પૂરી થતાં જ પ્રજા ભૂલાઈ ગઈ  અમિત ચાવડા

ગુજરાત રાજ્યના નાણામંત્રીએ આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ બજેટ પર કોંગ્રેસ પક્ષની પહેલી પ્રિતિક્રિયા સામે આવી હતી. વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ચુંટણી પુરી થયા બાદ સરકાર જનતાને ભુલી ગઈ છે. નવી ચૂટાયેલી ભાજપ સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેના પર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે રાજ્યમાં ૧૫૬ સીટો ધરાવતી સરકાર બની છે ત્યારે અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે અમૃત આવ્યુ ન હતું. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે ખેડૂતોને જે આશા હતી કે તેમની આવક બમણી થશે પણ આ બજેટમાં તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ થઈ જશે. આ ઉપરાંત ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની પણ કોઈ જાેગવાઈ નથી. ગુજરાતના યુવાનોને નવી ભરતી અને રોજગારની અપેક્ષા હતી પણ સરકારે કોઈ આયોજન કે રોજગાર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી તેમ તેણે જણાવ્યુ હતું. રાજ્યમાં વધી રહેલી મોંધવારી મુદ્દે અમિત ચાવડાએ કહ્યુ હતું કે રાજ્યના બજેટમાં મોંધવારી ઘટાડવા માટે કોઈપણ જાેગવાઈ નથી એટલે મધ્યમ વર્ગને આ બજેટથી નિરાશા અનુભવશે.ગુજરાત રાજ્ય દેવામાં છે પણ એની કોઇ વાત નથી કરતુ અને મોટા મોટા આંકડાની માયાજાળ રચાવામાં આવે છે. સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ કર્મચારીઓને જે વચનો આપ્યા હતા તે પણ આ બજેટમાં પૂરા કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાતના અલગ કર્મચારીની માંગોને સંતોષવામાં આવી ન હતી અને આશા વર્કર બેન, આંગણ વાડી બહેનો તેમજ ફિક્સ પગારદારોને જે માંગણીઓ હતી તે સરકારે પુરી કરી નથી. ચૂંટણીમાં જે સ્વપ્નો બતાવાયા હતા તે ઠાલા નીવડ્યા છે.

પીએમ મોદીના નેતૃત્વમાં દેશના અમૃત કાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારું બજેટ ભૂપેન્દ્ર પટેલ

નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા આજે રાજયનું બજેટ રજૂ કર્યું છે, તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રતિભાવ આપીને ગુજરાતના વર્ષ ર૦ર૩-ર૪ના અંદાજપત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારૂં બજેટ ગણાવ્યું છે. નાણાં મંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં સતત બીજીવાર રજૂ કરેલા બજેટને મુખ્યમંત્રીએ કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ તરીકે આવકારીને કહ્યું છે કે, કેપિટલ એક્સપેન્ડિચરની જાેગવાઇમાં ગયા વર્ષની તુલનાએ ૯૧ ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હ રૂપ બનશે. તેમણે આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતની નેમ પાર પાડનારા આ બજેટને રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા બજેટ તરીકે બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષના બજેટ કરતાં ર૩ ટકાનો વધારો આ બજેટમાં કર્યો છે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બે દાયકા કરતાં વધુ સમયથી દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસ રોલ મોડેલ બન્યું છે. આ જ અવિરત વિકાસયાત્રાને વધુ વેગવંતી હરણફાળ ભરાવવાના ઉદ્દેશ્યથી આ વર્ષનું બજેટ પાંચ સ્તંભ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરતું બજેટ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution