લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026 |
4752
ગુરુવારે સવારથી રાજ્યમાં વિવિધ શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સમયે અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ શાળાઓ, કૉર્ટ સંકુલ તથા વિધાનસભાને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકીઓ મળતા જ સુરક્ષા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળોએ બોમ્બ સ્ક્વોર્ડ સહિતની એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જાેકે, આ તમામ સંસ્થાઓની તપાસ દરમિયાન ક્યાંયથી પણ કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આ અંગે એસપીએ જણાવ્યું છે કે આ તમામ ધમકીભર્યા ઈમેઈલ દેશની બહારથી મોકલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, બોપલ સ્થિત ડ્ઢઁજી અને થલતેજ સ્થિત ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ મળ્યો હતો. મેઈલ મળ્યા બાદ શાળા સંચાલકો દ્વારા વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા માટે મેસેજ કરીને સૂચના આપવામાં આવી હતી, જેના કારણે વાલીઓમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટુકડીઓ સ્કૂલો પર પહોંચી ગઈ હતી અને શાળાઓને તાત્કાલિક ખાલી કરાવવા આદેશ આપ્યો હતો.