દુબઇ બેસી ૪૧૦ કરોડનું સાયબર ફ્રોડ કરનાર ચાઇનીઝ ગેંગ માટે કામ કરતો ઇજનેર ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026  |   1782

શેરબજારમાં ટ્રેડિંગથી અઢળક નફો કરાવી આપવાના પ્રલોભનમાં ફસાવી મોટા વરાછાનાં પિતા-પૂત્ર સાથે ૨૩.૩૯ લાખનું સાયબર ફ્રોડ કરનાર માફિયાઓનાં બે સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા છે. દુબઇથી આ રેકેટ ચલાવતાં ચાઇનીઝ સાયબર માફિયાઓ માટે કામ કરતાં આ બે યુવકોની તપાસમાં ૪૧૦ કરોડનાં સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મોટા વરાછામાં લજામણી ચોક પાસે અંબિકા પીનેકલ રેસિડેન્સીમાં મીત વિનોદભાઈ મારકણા તેના પરિવાર સાથે રહે છે. તે પાલ સ્થિત રાજ વિક્ટોરીયામાં ઓમ સાંઈ લક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ નામથી શેર માર્કેટ ટ્રેડિંગનું કામ કરે છે. ઓગસ્ટ ૨૦૨૬માં મીતનાં પિતા વિનોદભાઈએ ફેસબુક પર એચએસબીસી સિક્યુરિટીઝ એન્ડ કેપીટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડની જાહેરાત જાેઈ હતી. જેની ઉપર ક્લિક કરતાં તેઓ એક વોટ્સએપ ગૃપમાં સામેલ થઇ ગયા હતાં.

આ ગૃપમાં શેર માર્કેટમાં રોકાણ કરવા બાબતેના અંગ્રેજીમાં મેસેજ આવતા હતાં. વિનોદભાઇને અંગ્રેજી ભાષા આવડતી ન હોય દીકરા મીતે એડમીન સાથે વાત કરી તેનો નંબર ગૃપમાં સામેલ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ પાસે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે એચબી અલ્ટ્રા અને આઇઆઇએસએલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને તેમાં આઇડી બનાવી આપી હતી. આ એપ્લિકેશન મારફતે શેર ટ્રેડિંગ કરવા તથા આઇપીઓ ભરવાની વાતમાં ફસાવી તેમની સાથે ૨૩.૩૯ લાખ રૂપિયાનું ફ્રોડ કરાયું હતું.

સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડમાં વપરાયેલા એકાઉન્ટનાં આધારે અબ્દુલ રહેમાન મોહમદહસીન આકૂકારા (રહે, ફલેટ નં.બી/૭૦૧-૭૦૨, ફૈઝ કોમ્પલેક્ષ, અજમેરી ફલેટની સામે, કોઝવે રોડ, રાંદેર, સુરત) તથા મોહસીનખાન ઉર્ફે ટુટ્ટુ શમીમખાન (રહે, એ- બ્લોક, ચોથો માળ, દિવ્યેશ એપાર્ટમેન્ટ, માધવવન સોસાયટી પાસે, ટીમલીયાવાડ, નાનપુરા) ને ઝડપી પાડ્યા છે. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, મોહસીનખાન ના નામે અબ્દુલ રહેમાને મન્સૂરી ડિજિટલ ટ્રેડિંગ નામથી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેન્ક તથા એક્સિસ બેન્કમાં ચાર કરંટ અને ૧૨ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવ્યા હતાં. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે કરાયો હતો.

દુબઇ બેસીને સાયબર ફ્રોડ કરતી ચાઇનીસ ગેંગ માટે કામ કરતાં અબ્દુલ રહેમાન હસ્તક ઓપરેટ થતાં બેંક એકાઉન્ટને નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ ઉપર ચેક કરાયા હતાં. જેમાં દેશના ૨૦ રાજ્યોમાં ૩૩૮ ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ ફરિયાદોમાં ફ્રોડની રકમ ૪૧૦ કરોડ જેટલી હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી હતી.

યુરોપ ભણતો અબ્દુલ રહેમાન એક વર્ષથી ચાઇનીઝ માફિયાઓ સાથે સંપર્કમાં હતો

પોલીસનાં જણાવ્યા અનુસાર અબ્દુલ રહેમાન મોહમદ હસીન આકૂકારા બાલ યુરોપના લીથુઆનીયા ખાતે કોન્સાસ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં સિવિલ ઇજનેરનો અભ્યાસ કરી રહ્યો છે. તે ત્રણ મહિના પહેલા જ ભારત આવ્યો હતો. આ દરમિયાન તે એક વખત દુબઇ જઇ આવ્યો છે. અબ્લુદ રહેમાન પાસે કબજે લેવાયેલા આઇફોનમાંથી ૯૬ બેંક એકાઉન્ટની ડીટેઇલ મળી હતી. આ ઉપરાંત જુદા જુદા વ્યક્તિના નામે અલગ લેવાયેલા ૩૦ ડેબિટ કાર્ડની માહિતી પણ મળી હતી. અબ્દુલ રહેમાન છેલ્લા એક વર્ષથી ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હોવાની ચેટ ટેલિગ્રામમાંથી પોલીસે રીકવર કરી છે. તેના ફોનમાંથી ૧૩ બેંકોની એપ્લિકેશન મળી હતી. એટલું જ નહીં બે યુએસડીટી વોલેટ મળ્યા હતા, જેના થકી ૧૯.૧૪ લાખના ટ્રાન્ઝેક્શન પણ મળ્યા છે. મ્યુલ એકાઉન્ટમાં મેળવેલા ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી વોલેટ મારફતે ચાઇનીઝ માફિયાઓને મોકલી આપતો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution