લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
1881
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાવા જઈ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
મેળા દરમિયાન લાખો ભક્તોને સરળતાથી માતાજીના દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. હવે સવારની આરતી ૭:૩૦ કલાકના બદલે સવારે ૬:૦૦ કલાકે થશે, જ્યારે રાત્રિના સમયે મંદિર મધ્યરાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે જેથી ભક્તો ગીચતા વગર આરામથી દર્શન કરી શકે.ભક્તોના ભારે ઘસારાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે ટ્રસ્ટે કેટલાક વિશેષ ર્નિણયો પણ લીધા છે. મેળાના આ સાત દિવસો દરમિયાન મંદિરના ચાચરચોક આવેલી યજ્ઞશાળામાં કોઈપણ પ્રકારના હોમ-હવન કરવામાં આવશે નહીં, તેમજ માતાજીને ધરાવાતા અન્નકૂટ પણ આ સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોપરી રાખીને કરાયેલા આ ફેરફારોથી દર્શન પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ બનશે. આપ સૌ આ પવિત્ર મેળામાં જાેડાઈને અંબાજી માતાના દર્શનનો અલૌકિક લાભ મેળવો તેવી અપેક્ષા છે.
દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
• સવારે આરતી ૬.૦૦ થી ૬.૩૦ કલાક સુધી
• સવારે દર્શન ૬.૩૦થી ૧૧.૩૦ વાગ્યા સુધી
• બપોરે મંદિર ૧૧.૩૦ થી ૧૨.૩૦ એક કલાક સુધી મંગલ રહેશે
• બપોરે દર્શન ૧૨.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધી
• ત્યાર બાદ સાંજે મંદિર ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી મંગલ રહેશે
• સાંજે આરતી ૭.૦૦ વાગ્યા થી ૭.૩૦ વાગ્યા સુધી
• સાંજે દર્શન ૭.૩૦ વાગ્યા થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે
અંબાજી મંદિરમાં ૫ મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં સંઘો અને પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવતી ધજાઓ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વની જાહેરાત કરી છે. મંદિરના શિખર પર ૫ મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં. અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જે સંઘો અને પદયાત્રીઓ ૫ મીટરથી લાંબી ધજા લઈને આવશે, તેમની ધજાઓ મંદિરના શિખરે ચઢાવવાના બદલે માતાજીના મંદિરમાં રાખવામાં આવશે. આવા સંઘોએ ૫ મીટરની ધજા મંદિર ટ્રસ્ટ પાસેથી મેળવવી પડશે.