લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026 |
2079
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાસંબંધી ચોંકાવનારી ઘટનાઓ વચ્ચે શાહપુર વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. અગાઉ મિરઝાપુરના પ્રીમિયર શોપિંગ સેન્ટર પાસે ચાર અજાણ્યા શખ્સો દ્વારા ચપ્પાના ઘા મારીને રૂ. ૧૫ લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ એક વેપારી દ્વારા નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં વેપારીના હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ અને ચપ્પાના ઘા લાગ્યા હોવાનું જણાવાયું હતું, જેના કારણે પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને સઘન તપાસ શરૂ કરી હતી. શાહપુર પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેર્ન્સિક સાયન્સ લેબોરેટરીની મદદથી વૈજ્ઞાનિક ઢંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે વેપારીને બેંક લોનના હપ્તા અને વીંસીના મળીને કુલ રૂ. ૨૨.૫૦ લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી અને ભારે આર્થિક સંકડામણ ચાલી રહી હતી. આ દેવામાંથી છૂટકારો મેળવવા માટે વેપારીએ ખુદ પોતાની જાતને ઈજાઓ પહોંચાડી હતી અને ચાર અજાણ્યા શખ્સો લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હોવાની ખોટી લૂંટની કહાની ઊભી કરી હતી જેની પોલીસે સત્તાવાર કબૂલાત મેળવી છે. પોલીસ તપાસમાં આ સમગ્ર મામલો માત્ર એક બનાવટી કાવતરું હોવાનું સ્પષ્ટ થઈ જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ખોટી ફરિયાદ નોંધાવીને પોલીસનો કિંમતી સમય બગાડવા બદલ હવે આ વેપારી સામે કાયદાકીય શિકંજાે કસાશે. શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ખોટી લૂંટની ફરિયાદ નોંધાવવા બદલ સંબંધિત વેપારી સામે કોર્ટમાં બી સમરી વિથ પ્રોસિક્યુશન ની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારનું કૃત્ય કરતા અચકાય.