લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026 |
1386
આણંદ અને આંકલાવ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતી વડોદરા-રેવારી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન પ્રોજેક્ટમાં ખેડૂતોની કિંમતી જમીનો સંપાદિત કર્યાને ૧૬-૧૬ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય વળતર ન ચૂકવાતાં સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આણંદ અને આંકલાવ પંથકના અસરગ્રસ્ત ખેડૂતોએ આણંદ શહેરના બોરસદ ચોકડી ઓવરબ્રિજ પાસેથી ઢોલ-નગારા સાથે એક ભવ્ય અને વિશાળ વિરોધ રેલી કાઢી હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ખેડૂતોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ત્યારબાદ ખેડૂતોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રેલ્વે અધિનિયમની જાેગવાઈઓ મુજબ હાલની વર્તમાન બજાર કિંમત અનુસાર ત્વરિત વળતર ચૂકવવાની કડક માંગણી કરી હતી.
જમીન સંપાદન વખતે અધિકારીઓએ ખેડૂતોને ઊભા પાક, વૃક્ષો, બોરવેલ, પાણીની પાઇપલાઇનો, મકાનો અને રસ્તાઓનું યોગ્ય વળતર આપ્યા બાદ જ કામ શરૂ કરવાની મૌખિક બાંહેધરી આપી હતી. પરંતુ વાસ્તવિકતામાં કોરિડોરની બંને બાજુ પાકા રસ્તા ન બનાવતાં ખેડૂતોના પરંપરાગત માર્ગો બંધ થઈ ગયા છે, જેને કારણે ખેતરોમાં અવરજવર અંગે અંદરોઅંદર ઝઘડા સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત સર્વે નંબર ધરાવતી વિધવા બહેનોને ૫૦,૦૦૦નું વળતર તેમજ આજીવિકા ગુમાવનાર ખેડૂત-મજૂરોને ૭૫૦ દિવસની રોજગારી આપવાના વચનો પણ કાગળ પર જ રહ્યા છે. આ પરિસ્થિતિમાં પોતાની રોજીરોટી ગુમાવી ચૂકેલા ખેડૂત પરિવારોએ કેન્દ્ર સરકાર અને રેલ મંત્રી સમક્ષ માંગ કરી છે કે જમીન ગુમાવનાર પ્રત્યેક પરિવારના એક સભ્યને રેલ્વેમાં કાયમી નોકરી આપવામાં આવે અને તમામ બાકી નાણાં વ્યાજ સાથે ત્વરિત ચૂકવવામાં આવે.