લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026 |
1782
બનાસકાંઠા જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે બુધવારે વડગામ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાન સિસ્ટમ તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં હવામાનમાં પલટો આવ્યો છે. અચાનક બદલાયેલા વાતાવરણને પગલે ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી આકાશમાં વાદળો છવાય છે. જ્યાં મંગળવારે અંબાજી નજીક વરસાદનું ઝાપટું પડ્યું હતુ. દરમિયાન બુધવારે વડગામપંથકના સલેમકોટ, પાંચડા વિસ્તારમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડ્યો હતો.
આ અંગે ખેડૂતો દિનેશભાઇ ચૌધરી, અભુજી ઠાકોર, મહેશભાઇ મકવાણા સહિતે જણાવ્યું હતુ કે, જિલ્લામાં મગફળી, કપાસ, બાજરી અને જુવાર જેવા પાકોનું વાવેતર થયું છે. ત્યારે માવઠું અને વાવાઝોડું ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને મગફળીના પાકમાં કાપણીનો સમય નજીક હોય અથવા પાક ખેતરમાં પડ્યો હોય તો વરસાદને કારણે દાણા બગડવાની અને ગુણવત્તા ઘટવાની શક્યતા છે. બીજી તરફ, કપાસમાં ફૂલ અને જીંડવાંને નુકસાન થવાની સાથે ભેજ વધવાથી કપાસની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે. બાજરી અને જુવારના પાકમાં પવનને કારણે છોડ આડા પડી જવાની ભીતિ છે. તાટપત્રી ઢાંકો કાપણી કરેલો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તો શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ ખસેડવો. મગફળી અને અન્ય તૈયાર પાકને તાડપત્રીથી ઢાંકીને વરસાદી પાણીથી બચાવવો. કપાસ વીણવા માટે તૈયાર હોય તો હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવું. ખેતરમાં કાપણી કરેલો પાક એકત્રિત કરીને ઊંચી અને સૂકી જગ્યાએ રાખવો.