લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓક્ટોબર 2026 |
1782
નરોડામાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ સાથે ભદ્રેશ્વર મેલડી માતાના મંદિરના ભુવાજી તરીકે સેવા આપતા દિપકભાઈ પરમારે કુબેરનગરના એક પરિવાર દ્વારા મૂકવામાં આવેલા પ્રેમ સંબંધના આક્ષેપો અને રૂ.૨૦ લાખની ખંડણીના ત્રાસથી કંટાળી જઈ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મૃતકની પત્ની દક્ષાબેન પરમારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વસંતીબેન, રોમેશ માછલેકર, કાજલ માછલેકર સહિત કુલ ૬ આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણ અંગે ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મામલે આરોપી પરિવારે ભુવાજી દિપકભાઈ પરમાર સામે મંગળવારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂને વિધિના બહાને દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. નરોડા રામદેવપીર મંદિર પાસે રહેતા દિપકભાઈ પરમાર રિક્ષા ચલાવતા હતા અને ભદ્રેશ્વર ખાતે તેમણે પોતે બનાવેલા મેલડી માતાના મંદિરના ભુવાજી હતા.
ગત ૩ ઓક્ટોબરના રોજ કુબેરનગરમાં રહેતાં વસંતીબેને તેમના ઘરે દુ:ખ હોવાથી માતાજી બેસાડવા દિપકભાઈનો સંપર્ક કર્યો હતો. જેથી ૪ ઓક્ટોબરે દિપકભાઈ તેમના ઘરે ગયા હતા. બપોરે પરત ફરતી વખતે વસંતીબેને દિપકભાઈને ફોન કરી તેમના દીકરા રોમેશની પત્ની કાજલ સાથે પ્રેમ સંબંધ હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ કુણાલ માછલેકર અને હાર્દિક માછલેકરે પણ દિપકભાઈને ફોન તેમજ રૂબરૂ મળી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.૪ ઓક્ટોબરની રાત્રે રોમેશ, કાજલ, કુણાલ અને હાર્દિકે દિપકભાઈ તથા તેમના કાકાના ઘરમાં તોડફોડ કરી હતી. આ ડરથી દિપકભાઈ ઘરે આવતા નહોતા અને તેમની પત્ની દક્ષાબેન પિયર જતાં રહ્યાં હતાં. ચંદન વતન બજરંગે નામના શખ્સની ચડામણીથી આરોપીઓ સમાધાન પેટે દિપકભાઈ પાસે રૂ.૨૦ લાખની માગણી કરી સતત ધમકીઓ આપતા હતા.